પથ્થરબાજના મોત બાદ કુપવાડામાં કર્ફ્યુ


હિંસક ટોળાં પર સેનાનો ગોળીબાર : યુવકનું મોત થતાં શાળા, કૉલેજો, ઈન્ટરનેટ સેવા બંધ

શ્રીનગર, તા. 12 : ઉત્તર કાશ્મીરમાં પથ્થરમારો કરતાં ટોળા સામે સુરક્ષાદળોના ગોળીબારમાં ગઈકાલે બુધવારની રાત્રે ખાલિદ ગફ્ફાર નામના 20 વર્ષીય યુવકનું મોત થઈ ગયા બાદ આજે ગુરુવારે પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો હતો.
પેટ્રોલિંગ પાર્ટી પર પથ્થરમારાની ઘટના ત્રેહગમ ક્ષેત્રમાં બન્યા પછી યુવાનના મોતથી વિરોધ પ્રદર્શનના જોખમને ધ્યાને લેતાં સીમાવર્તી કુપવાડા જિલ્લામાં ક્ફર્યુના નિયંત્રણો લાગુ કરી દેવાયા હતા.
કાયદો, વ્યવસ્થા જાળવી રાખવાના હેતુ સાથે જિલ્લામાં તમામ શાળા, કોલેજો બંધ કરાવી દેવાઈ હતી. તો બારામુલ્લા અને કુપવાડામાં પૂર્વ સંભાળના પગલાંરૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પણ રોક લગાવાઈ હતી.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બુધવારની રાત્રે 30થી 40 ઉપદ્રવીઓની ભીડે સુરક્ષા દળ પર પથ્થરબાજી કરતાં ઘર્ષણ સર્જાયું હતું.
પહેલાં મૌખિક ચેતવણી આપી હતી. પછી હિંસક ભીડને વિખેરવા માટે હવામાં બે રાઉન્ડ ગોળી ચલાવાઈ હતી, પરંતુ કોઈ અસર ન થઈ હોય તેમ ટોળાએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો તેવું તેમણે ઉમેર્યું હતું.
પથ્થરબાજ યુવાનોએ વધુ આક્રમક બનીને પથ્થરમારો જારી રાખતા સેનાના પાંચ જવાન ઘાયલ થઈ ગયા હતા.
આખરે સ્વબચાવ માટે નાછૂટકે સુરક્ષાદળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જેમાં ખાલિદ ગફ્ફાર નામે એક પથ્થરબાજ યુવકનું મોત થયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer