વલસાડ, પારડી, વાપી અને ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ


અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 12 :  ગણદેવીનો હાથિયાવાડી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દમણગંગાના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. નવસારીમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 
વલસાડમાં 48 મિમી, પારડીમાં 52 મિમી, વાપીમાં 15 મિમી, કપરાડામાં 44 મિમી અને ધરમપુરમાં 56 મિમી વરસાદ પડયો છે. ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે એક એનડીઆરએફની ટીમ વલસાડમાં પણ તહેનાત કરી છે. તાપી જિલ્લાના વ્યારામાં 52 મિમી, વાલોળમાં 50 મિમી, સોનગઢમાં 46 મિમી, ઉચ્છલમાં 28 મિમી અને સૌથી વધુ ડોલવણમાં 94 મિમી વરસાદ પડયો હતો. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં છ ઇંચ પડયો છે, જ્યારે બારડોલીમાં 51 મિમી, ચોર્યાસીમાં 85 મિમી, કામરેજમાં 61 મિમી, મહુવામાં 47 મિમી, માંડવીમાં 50 મિમી, પલસાણામાં 55 મિમી વરસાદ પડયો છે. 
ભારે વરસાદને પગલે સૌથી વધુ વાહનવ્યવહારને અસર સુરત-મુંબઈ વચ્ચેના હાઇવે પર પડી છે. હજી પણ સુરત શહેરના કિમ ચાર રસ્તાથી હાઇવે પર ટ્રકોની લાંબી-લાંબી કતારો લાગી છે. સુરત જિલ્લાના 26 રસ્તાઓ બંધ જેવી હાલતમાં છે તો નવસારીના 77 રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વાપીમાં પણ 21 રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ છે તો તાપીના બાવન રસ્તા બંધ છે.
વડોદરામાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ : કંટેશ્વર ગામનો સંપર્ક કપાયો
દરમિયાન, સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ મહેર કરી છે. બે દિવસ અગાઉ મોડીરાતે ખાબકેલા 3 ઈંચ વરસાદ બાદ ગઈકાલે સાંજથી એકધારા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે ઘુંટણ સમા પાણી વચ્ચે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. છેલ્લા બે દિવસથી 6 ઈંચથી વધુ વરસાદ ચાલુ રહેતા નોકરિયાત વર્ગને ભારે પરેશાની ભોગવવી પડી હતી. પાંચ વૃક્ષો ધરાશયી થવાના બનાવ નોંધાયા હતા. 
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના છોટાઉદેપુર પરથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. ઢાઢર નદીમાં પાણીની આવક વધતા નદી કિનારે આવેલુ કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer