સજાતીય સંબંધ મુદ્દે 17મી જુલાઈએ સુપ્રીમમાં વધુ સુનાવણી


રાઇટ ટુ ઇન્ટિમસીને જીવન જીવવાનો અધિકાર જાહેર કરવાનો સમય આવી ગયો છે: સુપ્રીમમાં દલીલબાજી 
 
નવીદિલ્હી, તા. 12: સજાતિય સંબંધોને અપરાધથી બહાર કરવામાં આવે કે કેમ તેને લઇને આજે પણ સુપ્રીમ કોર્ટમાં જોરદાર અને રોચક દલીલ બાજી થઇ હતી. તેની તરફેણમાં અને વિપક્ષમાં જોરદાર તર્ક આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિની સાથે સંબંધોના મામલાને અપરાધથી હદથી બહાર કરી દેવામાં આવે તો એલજીબીટી સમુદાયના લોકો સાથે સંબંધિત અનેક મુદ્દા ઉપર વધુ ચર્ચા છેડાઈ શકે છે. સાથે સાથે સામાજિક કલંક અને ભેદભાવ પોતે જ ખતમ થઇ જશે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલામાં વધુ સુનાવણી 17મી જુલાઈના દિવસે કરશે. સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બંધારણીય બેંચે ટિપ્પણી કરી હતી કે, ભારતીય સમાજમાં વર્ષોથી એલજીબીટી સમુદાયની સામે એક ભેદભાવની સ્થિતિ ઉભી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કલમ 377 હેઠળ બે સજાતિય પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધને અપરાધની હદમાંથી બહાર કરવાની અરજી ઉપર સુનાવણી કરતી વેળા આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ ભેદભાવના કારણે આ સમુદાયના લોકોના આરોગ્ય ઉપર પ્રતિકુળ અસર થઇ રહી છે. સુપ્રીમ કોર્ટે અરજી કરનારના વકીલ મેનકા ગુરુસ્વામીને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, કોઇ કાયદો અથવા તો રેગ્યુલેશન હોમોસેક્સયુઅલને કોઇ પ્રકારના અધિકાર લેવાથી રોકે છે કે કેમ. આવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આવા કોઇ પણ પ્રકારના નિયમ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે, એલજીબીટી સમુદાય માટે કલમ માત્ર આ કારણસર છે કે, સહમતિ સાથે સેક્સ સંબંધોને અપરાધ સાથે જોડવામાં આવે છે. એક વખતે કલમ 377ની હદમાં સહમતિ સાથે સંબંધના મામલાને બહાર કરી દેવામાં આવશે ત્યારે તમામ બાબતો દૂર થઇ જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer