વસઈ-વિરાર ધીરે-ધીરે પાટા પર, 500 કરોડનું નુકસાન


દૂધ 80 રૂપિયા લિટરના ભાવે વેચાયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મુશળધાર વરસાદને લીધે આવેલા પૂરને કારણે વસઈ-વિરાર અને નાલાસોપારામાં 500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. પાલઘર જિલ્લાના પાલક પ્રધાન વિષ્ણુ સવરા, વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુર, જિલ્લા-અધિકારી ડૉ. પ્રશાંત નારનવરે સહિત આપાતકાલીન યંત્રણા અધિકારીઓએ બુધવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અનેક જગ્યાએ મદદ માટે ટુકડીઓ મોકલીને પૂરગ્રસ્તોને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ધીરે ધીરે વસઈ-વિરારના લોકોની પરિસ્થિતિ થાળે પડી રહી છે.
પાલઘરમાં જીવનાવશ્યક ચીજવસ્તુઓ ઘટી હોવાથી દૂધ 80 રૂપિયે લિટર વેચાયું હતું. એ પણ એક વ્યક્તિને માત્ર 250 મિ.લી. જ મળતું હતું.
જ્યેષ્ઠ સામાજિક કાર્યકર ફાધર ફ્રાન્સિસ દિબ્રિટોએ કહ્યું કે વસઈમાં ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નહોતું. આ અનનિકૃત બાંધકામોનું પરિણામ છે. વર્ષ 1990માં `િસડકો'એ કહ્યું હતું કે આવાં અનધિકૃત બાંધકામોને લીધે પૂર આવશે. અમે છેલ્લાં 30 વર્ષથી શહેરને બચાવવા માટેનો સંઘર્ષ કરી રહ્યા છીએ. છેલ્લા ત્રણ દિવસથી સરકાર નામની કોઈ યંત્રણા અહીં જોવા નથી મળી.
વસઈ, વિરાર અને નાલાસોપારામાં પૂર જેવી પરિસ્થિતિ 72 કલાક બાદ પણ યથાવત્ છે. જોકે વરસાદે વિશ્રાંતિ લીધી હોવાથી પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે. બે દિવસ બંધ રહેલો વીજળી પુરવઠો બુધવારે સાંજ પછી તબક્કાવાર શરૂ થયો હતો. સંપૂર્ણપણે પૂરનાં પાણી ઓસર્યા બાદ જ બજારમાંની દુકાનો શરૂ થઈ શકશે. અનેક સોસાયટીઓની પાણીની ટાંકી બિલ્ડિંગના તળિયે બનાવાઈ છે અને કમ્પાઉન્ડમાં હજી પાણી ભરાયેલાં હોવાથી તેમને પીવાનાં પાણીના સાંસા પડી રહ્યા છે.
વસઈ-વિરાર વચ્ચેના વિસ્તારોમાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદને લીધે જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. ટ્રેનો બંધ, પાણી પુરવઠો બંધ, પાણી વેચાતું લેવું હોય તો દુકાનો બંધ, વીજળી ન હોવાથી મોબાઇલ બંધ, બેટરી-રૂમ અને જનરેટર રૂમમાં પાણી ઘૂસી જતાં મોબાઇલનાં નેટવર્ક બંધ જેવી જટિલ પરિસ્થિતિમાંથી વસઈ, નાલાસોપારા અને વિરારના રહેવાસીઓની મુશ્કેલીઓ થાળે પડી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer