શશી થરુરનું `હિન્દુ પાકિસ્તાન'' નિવેદન ભારતીય લોકતંત્ર અને હિન્દુઓ પર પ્રહાર : ભાજપ

 
રાહુલ ગાંધી માફી માગે : સંબિત પાત્રા
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 12 : ભાજપે આજે કૉંગ્રેસના સાંસદ શશી થરુરના `હિન્દુ પાકિસ્તાન'વાળા નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને ભાજપથી નફરત કરતાં કરતાં કૉંગ્રેસ પાર્ટી હવે લક્ષ્મણરેખા ઓળંગી ગઈ છે અને હિન્દુસ્તાનના લોકતંત્રની વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરી દીધું છે. કૉંગ્રેસના નેતાઓ તેમની તુચ્છ રાજનીતિ માટે ભારતને નીચો બતાવવાનું કામ કરી રહ્યા છે.
આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસી સાંસદ શશી થરુરે હિન્દુ પાકિસ્તાન શબ્દનો પ્રયોગ કરીને હિન્દુસ્તાનના લોકતંત્ર અને દેશના હિન્દુઓ પર પ્રહાર કર્યો છે. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ થરુરના આ નિવેદન માટે માફી માગવી જોઈએ. શશી થરુરે એવું કહ્યું હતું કે જો 2019માં ભાજપ સરકાર બનાવશે તો ભારત હિન્દુ પાકિસ્તાન બની જશે. ભારત માટે આનાથી વધુ વાંધાજનક નિવેદન બીજું કયું હોઈ શકે? એવો સવાલ પાત્રાએ કર્યો હતો.
ડૉ. પાત્રાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસમાં શશી થરુર આવા પહેલા નેતા નથી. અગાઉ મણિશંકર ઐયર અને રાહુલ ગાંધી પણ ભારત વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે. શશી થરુરે પાકિસ્તાની નાગરિકોને પ્રેમ કરવો હોય તો ભલે કરે પણ ભારતને નીચો ન બતાવે એમ પાત્રાએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધી મંદિરમાં જવા માટે મુસ્લિમ બુદ્ધિજીવીઓની માફી માગે છે. કૉંગ્રેસ તૃષ્ટિકરણનું રાજકારણ છોડી શકે તેમ નથી, એમ પાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ શશી થરુરના નિવેદન વિશે કહ્યું હતું કે તેમનું આ નિવેદન દેશને વિભાજીત કરનારું અને તોડનારું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer