વન નેશન, વન ટૅક્સની સરકારી વાતો પોકળ : જીએસટી ઉપર સેસ લાદવા કેન્દ્રની તૈયારી


નવી દિલ્હી, તા.12:
જીએસટી લાગુ પડયા પછી વન નેશન વન ટેક્સની સરકારી જાહેરાતો પોકળ ઠરી છે. સેસ, સરચાર્જ, ટેક્સ અને અન્ય લેવી વગેરેમાંથી મુક્તિ મળી જશે એવા દાવા કરનારી કેન્દ્ર સરકારે હવે જીએસટી ઉપર એક ટકો સેસ લગાવવા માટે તૈયારી કરી લીધી છે. બહુ ઝડપથી સેસ લાગી જશે અને 28 ટકા જીએસટીવાળી તમામ આઇટમો વધુ મોંઘી થઇ જશે. સરકાર પ્રવર્તમાન સમયે 28 ટકાના સ્લેબ ઉપર સેસ નાખવા ઇચ્છે છે. જોકે એ પછી ક્રમશ: બીજા સ્લેબ પણ આવરી લેવાય તો નવાઇ નહીં.
સરકારે લઘુત્તમ ટેકાના ભાવમાં હાલ જે પ્રકારે વધારો કર્યો છે તેનાથી પડનારા બોજને સરભર કરવા માટે સેસનું હથિયાર ઉગામ્યું છે. આમ પ્રજાને તો બન્ને તરફ સહન કરવાનું આવશે. ટેકાના ભાવ વધારાને  લીધે મોંઘવારી તો સહન કરવાની જ છે એ સાથે એક ટકો સેસના રુપે પણ ખિસ્સા ખાલી કરવાના છે. સરકાર એવું કહે છેકે, 28 ટકામાં લક્ઝરી આઇટેમ છે. જે મોંઘી થશે. એ માટે નાણા મંત્રાલયે તો સેસની મંજૂરી આપી દીધી છે. જોકે હવે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરે તો તે અમલમાં પણ આવી જશે. આ માટે 21મી જુલાઇના દિવસે બેઠક છે.
29 ટકાના સ્લેબમાં અત્યારે એર કન્ડિશનર, વોશિંગ મશીન, ફ્રિઝ, પેઇન્ટ, સિમેન્ટ, રંગીન ટીવી. પરફ્યુમ, ડિશ, વેક્યુમ ક્લિનર, કાર, ટુ વ્હીલર, એરક્રાફ્ટ, પાનમસાલા, સિગારેટ અને તમાકુ જેવી વસ્તુઓ સામેલ છે. 
લઘુત્તમ ટેકાનો ભાવ વધવાને લીધે સરકાર ઉપર 15 હજાર કરોડનો બોજ આવવાનો છે. જો સરકાર તે ભોગવી લે તો રાજકોષીય ખાધ આવે તેમ છે. એ કારણે જ હવે લોકોને તેનો ભોગ બનાવવામાં આવ્યા છે. 
સેસની બીજી તરફ સરકારે એવી વાત કરી છે કે જીએસટી હેઠળ આવક સુધરવાને લીધે હવે સરકાર કેટલાક ટેક્સ સ્લેબમાં મામૂલી ફેરફારો કરવા ઇચ્છે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer