સ્મારકોમાં ફોટાની મનાઈ શા માટે ? : મોદી


એએસઆઈ સંકુલનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન : વારસાના જતનમાં લોકભાગીદારી જરૂરી

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતના પુરાતત્વીય વારસાના જતન માટે લોકોની સહભાગીતા પર ભાર મૂકતાં ચોક્કસ સ્મારકો પર લોકોને ફોટા પાડવાની મનાઈ ફરમાવતા નિયમો સામે સવાલ ઉઠાવ્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, યુવાનોને ટુરિસ્ટ ગાઈડ તરીકે તાલીમ આપવાથી રોજગાર સર્જનમાં મદદ મળશે. પુરાતત્વીય સ્થળોમાં લોકોનો રસ વધશે. પરિણામે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. 
નવી દિલ્હીમાં આકર્યોલોજીકલ  સર્વે ઓફ ઈંડિયાની નવી ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ કહ્યું હતું કે,  દેશના ઐતિહાસિક, પુરાતત્વીય વારસાના જતન માટે  જનતાની સહભાગીતા અનિવાર્ય છે. નાગરિકોને જ ગૌરવ નહીં હોય તો ભારતીય ધરોહર સમાન ઐતિહાસિક વારસાનું સંરક્ષણ શકય નહીં બને, તેવો મત વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો. 
મોદીએ  કોર્પોરેટ ક્ષેત્રને સહભાગી બનાવી અને તેના નેજા તળે નાગરિકો સ્વયંસેવક તરીકે થોડાક કલાકોનું યોગદાન આપે,  તેવું સૂચન પણ કર્યું હતું. વડાપ્રધાને એવું સૂચન પણ કર્યું હતું કે, ઐતિહાસિક સ્થળો ધરાવતા દેશના 100 શહેરોની શાળાઓના અભ્યાસક્રમમાં  સ્થાનિક પુરાતત્વીય ઐતિહાસિક સ્થળોની જાણકારીનો સમાવેશ કરાય તો છાત્રોમાં પણ બાળપણથી જ આવા સ્થળો પ્રત્યે સંવેદનશીલતા કેળવી શકાય. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer