વૃદ્ધ કે બીમાર માતા-પિતાની સારસંભાળ લેનારાં સંતાનોને કરરાહત


મહારાષ્ટ્ર સરકાર આવો પ્રસ્તાવ તૈયાર કરીને કેન્દ્રને મોકલાવશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.12 : સંતાનો પોતાના વૃદ્ધ કે બીમાર માતા-પિતાની સારસંભાળ લેવા પ્રેરાય એ હેતુથી મહારાષ્ટ્ર સરકાર કર રાહત સંબંધી પ્રસ્તાવ તૈયાર કરી રહી છે જે કેન્દ્ર સરકારને મોકલાશે. મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે હાલના સમયમાં વરિષ્ઠ કે વૃદ્ધ નાગરિકો વિરુદ્ધની ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે, એવા સમયમાં સંતાનો જ માતા-પિતાની સારસંભાળ લેવા પ્રેરાય અને માતા-પિતાને આર્થિક મદદ કરનારા સંતાનોને ઇન્કમટેક્સમાં રાહતની વિચારણા થઇ રહી છે. 
મુંબઈના એક સિનિયર સિટિઝન ગ્રુપે માગણી કરી હતી કે જુદાં રહેતા સંતાનો પોતાના માતા-પિતાની સારસંભાળ લેવા માટે પ્રેરાય એવી કોઇ નીતિ તૈયાર કરવી જોઇએ. ફેડરેશન અૉફ સિનિયર સિટિઝન્સ અૉર્ગેનાઇઝેસન્સ અૉફ મહારાષ્ટ્રના સચિવ વિજય ઔંધેના જણાવ્યા પ્રમાણે અમે આર્થિક રાહતની માગણી કરી હતી કેમ કે ઘણીવાર સંતાનો પાસે પૈસા જ ન હોવાથી તેઓ બીમાર કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવી નથી શકતાં. જો સરકાર આવક વેરામાં રાહત આપે તો સંતાનો અન્યત્ર રોકાણ કરવા કરતા માતા-પિતાને મદદ માટે પ્રોત્સાહિત થાય. અૉલ ઇન્ડિયા સિનિયર સિટિઝન્સ કોન્ફેડરેશનના પ્રમુખ ડૉ. એસ. પી. કિંજાવાડેકરે પણ મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવને આવકાર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer