કાશ્મીરમાં ફરી સૅટેલાઇટ ફોન સક્રિય


ખીણમાં તોયબાના આતંકીઓ મોટા હુમલાની તાકમાં હોવાની બાતમી બાદ સુરક્ષા તંત્ર સાવધાન
 
શ્રીનગર, તા. 12 : કાશ્મીરમાં વરસોથી બંધ પડેલા સેટેલાઇટ ફોન ફરી સક્રિય  થયા છે. આ જૂના નંબરો ફરી ધમધમવા માંડતાં ખીણમાં કોઇ મોટા આતંકવાદી હુમલાની આશંકા સાથે દેશની સુરક્ષા એજન્સીઓ સાવધાન થઇ      ગઇ છે.
દરમ્યાન એક અહેવાલ અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો આતંકી અબુ ઇસ્લામ કાશ્મીરમાં હુમલા કરવા માટે નવાં સ્થળોની તલાશમાં હોવાની બાતમી પણ મળી છે.
હાલ તુરત એજન્સીઓએ આ સેટેલાઇટ ફોન નંબરો પર વધારાની નજર રાખવાની શરૂઆત કરી દીધી છે. કાં તો જૂના નંબર બંધ હતા અથવા લાંબા સમયથી સેટેલાઇટ ફોન મારફતે વાતચીત થતી નહોતી. સેટેલાઇટ ફોન નંબરો ફરી જાગવાની ઘટનાને કાશ્મીર ખીણમાં આતંકવાદીઓની સક્રિયતામાં વધારાના સંકેત તરીકે જોવાય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઘૂસણખોરી કરીને કાશ્મીરમાં આવ્યા છે, તેવી જાણકારી ગુપ્તચર અહેવાલમાં મળી હતી.
ઘૂસણખોર આતંકવાદીઓ ખીણમાં મોટા હુમલાની ફિરાકમાં હોવાની બાતમી પણ મળી હતી. છેલ્લા થોડા દિવસો દરમ્યાન ખીણના અનેક વિસ્તારોમાં આતંકવાદીઓ દેખાયા પણ છે.
ખીણમાં મોટી  સંખ્યામાં આતંકવાદીઓની ભરતીનો અહેવાલ સામે આવતાં પણ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer