શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીનું આક્રમક વલણ

શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીનું આક્રમક વલણ
 
નાણાર રિફાઈનરી પ્રકલ્પ રદ કરવાની માગણી સાથે વિધાનગૃહોનું કામકાજ ખોરવાયું
 
નાગપુર, તા. 12 (પીટીઆઈ) : નાણારમાં રિફાઈનરી બાંધવાના સૂચિત પ્રકલ્પના મુદ્દે શાસક ભાજપના સાથી પક્ષ શિવસેનાએ વિપક્ષો કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની મદદથી વિધાનગૃહોની બેઠકનું કામકાજ ખોરવી નાખ્યું હતું. શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોએ વિધાનસભ્ય અને વિધાન પરિષદમાં ધાંધલ મચાવતા બેઠક આજના દિવસ પૂરતી મુલતવી રાખવી પડી હતી.
વિધાનસભામાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોએ ગૃહની નાણાર પ્રકલ્પ રદ કરવાની માગણી સાથે નારા પોકારતા સ્પીકર બાગડેને ગૃહની બેઠક કેટલીયવાર મુલતવી રાખવી પડી હતી.
વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે જણાવ્યું હતું કે ગઈકાલે નાણારવાસીઓના આંદોલનમાંથી કેટલાક નેતાઓને પાછા કાઢવામાં આવ્યા હતા. આ વિધાન સામે વાંધો ઉઠાવતા સુનીલ પ્રભુ (શિવસેના)એ જણાવ્યું હતું કે વિખે-પાટીલ ખોટું બોલીને શિવસેનાનું અપમાન કરી રહ્યા છે તે બદલ વિખે-પાટીલે દિલીગીરી વ્યક્ત કરવી જોઈએ.
વિખે-પાટીલે જણાવ્યું હતું કે ફડણવીસ સરકારે આજે જ નાણાર રિફાઈનરી પ્રકલ્પ રદ કરવાની ઘોષણા કરવી જોઈએ. અન્યથા અમે ગૃહનું કામકાજ ચાલવા નહીં દઈએ. સરકારી તંત્રનો દુરુપયોગ કરીને પ્રકલ્પ માટે ભૂમિ સંપાદિત કરવામાં આવી રહી છે.
વિધાન પરિષદમાં નાણાર રિફાઈનરીના પ્રકલ્પની ચર્ચા કરવાની માગણી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ કરી હતી, પણ અધ્યક્ષ નિમ્બાળકરે તે નકારી હતી. રાષ્ટ્રવાદીના સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે નાણાર પ્રકલ્પ અંગે મુખ્ય પ્રધાન ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ વિરોધાભાસી નિવેદનો કરી રહ્યાં છે. શિવસેનાના ડૉ. નિલમ ગોરેએ પણ મુખ્ય પ્રધાન આ પ્રકલ્પ રદ કરવાની જાહેરાત કરે એવી માગણી કરી હતી. આ મુદ્દે શિવસેના અને વિપક્ષોના આક્રમક વલણને કારણે અધ્યક્ષ નિમ્બાળકરે ગૃહનું કામકાજ આજના દિવસ પૂરતું મુલતવી રાખ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer