લાંબા અંતરની ટ્રેનોમાં ઘટતા જતા ફર્સ્ટ ક્લાસ ડબા

લાંબા અંતરની ટ્રેનોમાં ઘટતા જતા ફર્સ્ટ ક્લાસ ડબા

ફ્લાઇંગ રાણીના પ્રથમ વર્ગના પાસધારકોને કરવો પડે છે સેકન્ડ ક્લાસના ડબામાં પ્રવાસ!
 
મુંબઈ, તા. 12 : રેલવે બોર્ડના આદેશ બાદ લાંબા અંતરની ટ્રેનોમાં તબક્કાવાર ફર્સ્ટ ક્લાસના ડબા હટાવવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવેના બધા ઝોનમાં આ પ્રક્રિયા શરૂ છે, આમ છતાં સૌથી વધુ મુશ્કેલી પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં થઈ રહી છે. સુરતથી મુંબઈ વચ્ચે પ્રવાસ કરતાં ફર્સ્ટ ક્લાસ માસિક ટિકિટ ધારકોને સેકન્ડ ક્લાસના ડબામાં બેસવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં જ મુંબઈ-સુરત વચ્ચે દોડતી લોકપ્રિય ફ્લાઇંગ રાણી એક્સ્પ્રેસમાંથી ફર્સ્ટ ક્લાસનો ડબો હટાવવામાં આવ્યો હતો એ બાદ પહેલી જૂનથી ફ્લાઇંગ રાણીના ફર્સ્ટ કલાકના પાસ ધારકોને જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને રેલવેએ તેને ફર્સ્ટ ક્લાસના પાસ હોલ્ડરોનો કોચ ગણાવ્યો છે. પ્રવાસીઓને તો એવું કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ ક્લાસના ડબાને સમારકામ માટે મોકલવામાં આવ્યા છે અને પછીથી તેને ફરી જોડવામાં આવશે. પરંતુ હકીકત કંઈ જુદી હોવાની માહિતગાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જે મુજબ રેલવે ધીરેધીરે તબક્કાવાર ફર્સ્ટ ક્લાસ કોચ ટ્રેનોમાંથી કાઢી રહી છે. આવા સંજોગોમાં પ્રવાસીઓને પ્રશ્ન થાય છે કે જ્યારે કોચ જ લગાડાતો નથી તો પછી માસિક ફર્સ્ટ ક્લાસ પાસ કેમ અપાય છે?
હવે માત્ર બે કોચ બચ્યા
મુંબઈ ડિવિઝનની માત્ર બે ટ્રેનોમાં હવે ફર્સ્ટ કલાસ કોચ બચ્યા છે. તેમ છતાં હજારો પ્રવાસીઓને ફર્સ્ટ કલાસના પાસ આપવાનું શરૂ છે.
ફ્લાઇંગ રાણી પહેલાં બાંદરા-સુરત ઇન્ટરસીટી ટ્રેનમાં ગત અૉક્ટોબરમાં ફર્સ્ટ ક્લાસનો ડબો કાઢી નાખવામાં આવ્યો હતો. આથી નારાજ પ્રવાસીઓએ જનરલ મૅનજરને ફરિયાદ કરી હતી.
મુંબઈ ડિવિઝન તરફથી એવું જણાવાયું હતું કે આ પ્રશ્ને અનેકવાર મુખ્યાલયને માહિતી અપાઈ છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
બીજી તરફ પ્રવાસીઓ આ પ્રશ્ને અવારનવાર ધાંધલ કરે છે જેથી ટ્રેનોની નિયમિતતા પર અસર પડે છે. આ અંગે પશ્ચિમ રેલવે તરફથી જાણવા મળ્યું હતું કે ધીમેધીમે ફર્સ્ટ ક્લાસ કોચ હટાવવામાં આવી રહ્યા છે અને ફર્સ્ટ કલાસના પાસના વેચાણ અંગે રેલવે બોર્ડને વિશ્વાસમાં લઈને જલદીથી નિર્ણય લેવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer