જબાન સંભાલ કે : શશી થરુરને કૉંગ્રેસની તાકીદ

જબાન સંભાલ કે : શશી થરુરને કૉંગ્રેસની તાકીદ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : કૉંગ્રેસના સાંસદ શશી થરુરના વિવાદાસ્પદ `િહન્દુ પાકિસ્તાન'ના નિવેદનથી પક્ષ પોતે જ મુંઝાઈ ગયો છે. ભાજપે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની માફીની માગણી કરી છે ત્યારે થરુર પોતાના આ નિવેદન પ્રત્યે અડગ રહ્યા છે અને કૉંગ્રેસના નેતાઓએ આ બાબતમાં સાવચેતીભરી પ્રતિક્રિયા આપી છે. પક્ષે ગુરુવારે થરુરને ભાજપ પર પ્રહાર કરતી વખતે શબ્દોની પસંદગી કરવામાં સાવધ રહેવાની સલાહ આપી હતી. ભાજપે આ વિવાદને ચગાવ્યો હતો. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સિંઘ સૂરજેવાલાએ ટ્વીટ દ્વારા ચેતવણી આપી હતી. શશી થરુરની આ ટિપ્પણી બાદ ભાજપ પર પ્રહાર કરતી વેળા શબ્દોની પસંદગી કરવામાં સાવચેતી રાખવા કૉંગ્રેસે તેના તમામ નેતાઓને જણાવી દીધું હતું. પરંતુ કૉંગ્રેસે થરુરના નિવેદન પાછળના મુખ્ય મુદ્દાઓને ટેકો આપ્યો હતો પરંતુ થરુરે ભાજપ પર પ્રહાર કરવા જે શબ્દો વાપર્યા તેને કારણે તેમનાથી પોતાને અળગા કરી દીધા હતા. કારણ કે આવા નિવેદનથી ભાજપતરફી વાતાવરણને બળ મળી શકે તેમ છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ ભારતના બહુવિધતા જેવા સુસંકૃત મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે મોદી સરકાર ભાગલાવાદી, તિરસ્કારભર્યા અને અસહિષ્ણુતા જેવાં પરિબળો પર છેલ્લાં ચાર વર્ષમાં જોર આપ્યું છે. કૉંગ્રેસના  પ્રવક્તા જયવીર શેરગિલે જણાવ્યું હતું કે દેશનો પ્રત્યેક નાગરિક એ વાત જાણે છે કે આપણી લોકશાહી કેટલી મજબૂત છે અને ભારતીય લોકતંત્ર ક્યારે પણ દેશને પાકિસ્તાનમાં ફેરવશે નહીં. `હું તમામ કૉંગ્રેસી નેતાઓને શબ્દોની પસંદગી કરતી વખતે સાવધ રહેવાની વિનંતી કરું છું.'
અન્ય કૉંગ્રેસી નેતાઓએ પોતાને શશી થરુરના નિવેદનથી વેગળા રાખતા જણાવ્યું હતું કે ભાજપ કોમી કાર્ડ રમી રહ્યો છે.
કૉંગ્રેસ પક્ષના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે શશી થરુરે વ્યક્તિગત ક્ષમતા મુજબ આ નિવેદન આપ્યું હતું. પરંતુ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરએસએસ અને તેના સંરક્ષકો દેશનું ધ્રુવીકરણ કરી રહ્યા છે.
કૉંગ્રેસના નેતા પી.એલ. પુનિયાએ જણાવ્યું હતું કે તેઓ `િહન્દુ પાકિસ્તાન' શબ્દને માન્ય કરતા નથી પરંતુ એવું માને છે કે ભાજપ વર્તમાન બંધારણને સ્વીકારતો નથી અને પોતાની વિચારધારા પ્રમાણે તેમાં ફેરફાર કરવા બેતાબ હોય છે.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer