સુરતમાં અનરાધાર છ ઇંચ વરસાદ : નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદી બે કાંઠે

સુરતમાં અનરાધાર છ ઇંચ વરસાદ : નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદી બે કાંઠે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 12 : મહાનગર મુંબઈ બાદ ગુજરાતનો વારો કાઢતાં મેઘરાજાએ ગઈ કાલે મોડી રાતથી જ સુરતમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. વહેલી સવારે સુરતમાં ભારે વરસાદ પડતાં કલેક્ટરે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. શહેરમાં દેમાર છ ઇંચ વરસાદ પડતાં શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. શહેરમાં પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, તો બીજી તરફ નવસારીમાં આજે પણ મેઘરાજાએ અવિરત પાણી વરસાવ્યું હતું. નવસારીની પૂર્ણા અને અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ નીચે વહી રહી છે. ભારે વરસાદને પગલે નવસારીમાં એનડીઆરએફની ટીમ ઉતારી દેવામાં આવી છે તો સુરત શહેરમાં એક ટીમને સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે.
શહેરમાં વહેલી સવારથી વરસાદ પડવાની શરૂઆત થઈ હતી જેને કારણે શહેરના અડાજણ મેઇન રોડ, આનંદ મહેલ રોડ, પીપલોદ, વેસુ ચાર રસ્તા, ઊધના, લિંબાયત, વરાછા, કતારગામ, નાનપુરા, સલાબતપુરા અને ભાગળ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. બેઝમેન્ટની અનેક દુકાનો તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. 
શહેરના સચીન જીઆઇડીસીમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં ઔદ્યોગિક વિસ્તારમાં કામધંધે આવતા લોકોનાં વાહનો પાણીમાં ડૂબી ગયાં હતાં. લોકોએ ભારે જહેમતે વરસતા વરસાદમાં વાહનોને પાણીમાંથી બહાર કાઢ્યાં હતાં. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાંથી પસાર થતી તાપી નદીનું જળસ્તર વધી ગયું છે. કોઝવે 6.36 મીટરની સપાટીએ ઓવરફ્લો થયો છે. નવા નીરની આવક થતાં કાકરાપાર ડૅમની સપાટી 160.40 ફૂટે પહોંચી છે. ઊકાઈની સપાટી પણ વધી ગઈ છે. ઊકાઈની સપાટી 286.39 ફૂટે પહોંચી છે. શહેરમાં વરસાદને કારણે વૃક્ષો પડી જવાની, દીવાલો પડવાની અને ભૂવા પડવાની અનેક ઘટના નોંધાઈ છે. 
સુરત શહેરની વિવિધ ખાડીઓ જેમ કે કાકરા 5.80 મીટર, ભેદવાડ 6.15 મીટર, મીઠી 7.45 મીટર, ભાઠેના 6 મીટર, સીમાડા ખાડી 3.10 મીટરે વહી રહી છે. ભારે વરસાદને કારણે રેલ-વ્યવહારને અસર પહોંચી હતી. આજે પણ મોટા ભાગની ટ્રેનો અડધાથી એક કલાક મોડી દોડી રહી છે.
આજે માત્ર અમદાવાદ-મુંબઈ વચ્ચેની શતાબ્દી ટ્રેનને બન્ને તરફથી રદ કરી હતી, જ્યારે સુરત-બાંદરા એક્સ્પ્રેસ ટ્રેન સમય કરતાં બે કલાક મોડી ચાલી રહી છે. સૌથી વધારે મોડી ચાલી રહેલી ટ્રેનોમાં હાપા એક્સ્પ્રેસ ટ્રેન 8 કલાક મોડી ચાલી રહી છે. 
દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 72 મિમી, જલાલપોરમાં 73 મિમી, ગણદેવીમાં 44 મિમી, ચીખલીમાં 58 મિમી, વાંસદામાં 89 મિમી, ખેરગામમાં 58 મિમી વરસાદ પડયો છે. નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદી બન્ને કાંઠે વહી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer