દોઢ માસમાં 14 ઘટનામાં દસ જણનાં થયાં મૃત્યુ


અફવા ફેલાવનારાઓને રોકવા માટે પોલીસ દ્વારા શરૂ કરાશે વિશેષ ઝુંબેશ
 
મુંબઈ, તા. 15 (પીટીઆઈ): મહારાષ્ટ્રમાં છેલ્લા દોઢ માસમાં અફવાને પગલે ટોળા દ્વારા આચરવામાં આવેલી 14 હિંસક ઘટનાઓમાં દસનાં મૃત્યુ પછી સફાળા જાગેલા પોલીસતંત્રએ સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાને રોકવા અભિયાન છેડવાનું નક્કી કર્યું છે. વધુમાં આ દૂષણને ડામવાના નવા ઉપાયો પણ વિચારવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક દત્તા પડસલગીકરે જણાવ્યું હતું કે આ ઝુંબેશના ભાગરૂપે પોલીસતંત્ર લોકોને જે નકલી વીડિયો, મેસેજ કે પોસ્ટની અધિકૃતતા વિશે સંદેહ હોય તે વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. જે વીડિયો પોસ્ટ કે મેસેજથી સમાજમાં અશાંતિ સર્જાઈ શકે તે વિશે લોકોને સમજાવવામાં આવશે. લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજ સર્વિસ - વૉટ્સઍપ દ્વારા પણ આ બાબતમાં રાજ્ય સરકારને સહકાર આપવામાં આવી રહ્યો છે. માત્ર અફવાને આધારે ટોળા દ્વારા વ્યક્તિઓને મારી નાખવાની ઘટના રોકવા માટે રાજ્યનું બે લાખ માનવ બળ ધરાવતું પોલીસતંત્ર અફવા ફેલાવવાના દૂષણને રોકવા માટે પોતાનું મોડેલ તૈયાર કરશે. જે શહેર અથવા જિલ્લાનું મોડેલ ઉત્તમ હશે તેને અનુસરવામાં આવશે. અમારો મુખ્ય હેતુ સમાજમાં અશાંતિ સર્જે એવા વીડિયો કે પોસ્ટને ફોરવર્ડ નહીં કરવાનું સમજાવવાનો છે. સોશિયલ મીડિયા ઉપર કેવા પ્રકારની પોસ્ટ કે મેસેજ મૂકવા તે વિશે જાણકારી ફેલાવવા માગીએ છીએ. કેટલાંક અૉનલાઇન ગ્રુપ અને ફોરમ અમને આ કામમાં મદદ કરી રહ્યાં છે, એમ પડસલગીકરે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer