ઝારખંડમાં બુરાડી જેવા કાંડથી ચકચાર હઝારીબાગમાં એક જ પરિવારના છ સભ્યની આત્મહત્યા


રાંચી, તા. 15 : દેશને હચમચાવી નાખનાર દિલ્હીના બુરાડીકાંડ અને પછી પાણીપતમાં એક જ કુટુંબના ચાર સભ્યોની આત્મહત્યા જેવી જ વધુ એક ઘટનામાં ઝારખંડના હઝારીબાગમાં પણ એક જ પરિવારના છ સભ્યોએ `મોતને મીઠું' કરી લીધું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.
સમગ્ર પરિવારે અંતિમ પગલું ભરતા પહેલાં લખેલી મરણોત્તર ચિઠ્ઠીમાં ગણિતના ફોર્મ્યુલાની જેમ બીમારી+બદનામી+કર્જ+તણાવ= મોત તેવું લખેલું મળી આવતાં પોલીસ પણ ભારે અચરજ પામી હતી.
હઝારીબાગના ખજાંચી તળાવ પાસે સ્થિત એક બિલ્ડિંગમાં એક જ પરિવારના છ સભ્યોએ આત્મહત્યા કરી લેતાં સનસનાટી મચી ગઈ છે. દેવાંના બોજ તળે હોવાથી પરેશાન પરિવારે મોતની સોડ તાણી હોવાનું જાણવા મળ્યું છે.
એવા અહેવાલ મળ્યા છે કે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમને એક નહીં, પરંતુ ત્રણ સુસાઈડ નોટ, એટલે કે મરણોન્મુખ નિવેદન મળ્યાં હતાં.
મૃતકોમાં બે મહિલા, બે બાળક અને બે પુરુષ સામેલ છે. બે જણનાં મોત ગળેફાંસો ખાઈને, બે જણનાં ગળાં કપાયેલાં છે, તો એક જણનું છત પરથી કૂદતાં મોત થયું છે અને એક બાળકને ઝેર આપીને ગળું દબાવીને મોત અપાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના ફ્લેટમાં મહાવીર અગ્રવાલ, પત્ની કિરણની લાશ લટકતી મળી, પુત્રવધૂ પ્રીતિ પલંગ પર, પૌત્રી યાન્વીનો મૃતદેહ સોફા પર, અમનનું ગળું કપાયેલું તેમજ નરેશ અગ્રવાલની લાશ બિલ્ડિંગની સામેથી મળી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer