ખેડૂતો માટે વિપક્ષ મગરનાં આંસુ વહાવે છે : મોદી

ખેડૂતો માટે વિપક્ષ મગરનાં આંસુ વહાવે છે : મોદી
ઉત્તર પ્રદેશને 4008 કરોડની પરિયોજનાની ભેટ: યુપીએ સરકાર ઉપર કર્યા આડકતરા પ્રહાર
 
મિર્ઝાપુર, તા. 15: લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વાંચલનો પ્રવાસ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે મિર્ઝાપુરની મુલાકાત કરી હતી. ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની બહુમતી ધરાવતા મિર્ઝાપુરમાં એક જનસભાને સંબોધિત કરતા મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, અમુક લોકો ખેડૂતો માટે મગરમચ્છનાં આંસુ વહાવી રહ્યા પણ તેઓએ ખેડૂતો માટે કોઈ કામ કર્યું નથી. છેલ્લાં 40 વર્ષથી બાણસાગર સિંચાઈ પરિયોજના આગળ વધી રહી નહોતી અને ગત સરકાર દ્વારા તેને પૂરી કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. આ સાથે મોદીએ ઉત્તરપ્રદેશ પ્રવાસના બીજા દિવસે કુલ 4008 કરોડની પરિયોજનાની ભેંટ આપી હતી. જેમાં 3500 કરોડના ખર્ચે બનેલી બાણસાગર પરિયોજનાનો પણ સમાવેશ થાય છે.
મિર્ઝાપુરમાં જનસભાને સંબોધનમાં ભોજપુરીથી શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે, આ ક્ષેત્ર ખૂબ દિવ્ય અને અલૌકિક છે. વિંધ્ય પર્વત અને અને ભાગીરથી વચ્ચે આવેલા મિર્ઝાપુર સહિતના ક્ષેત્ર સદિઓથી અપાર સંભાવનાઓથી ભરેલા છે. આ અગાઉ જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઉત્તરપ્રદેશની મુલાકાત કરી હતી ત્યારે વિંધ્યવાસિની મામલે જાણીને આશ્ચર્યચકિત થયા હતા. મોદીએ કહ્યું હતું કે, પૂર્વાંચલના લોકોના જીવનનો આધાર ખેતી છે અને બાણસાગર યોજનાથી દોઢ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકશે. મોદીએ ઉમેર્યું હતું કે બાણસાગર યોજનાની વાત 40 વર્ષ પહેલા શરૂ થઈ હતી. પરંતુ કામ શરૂ થતાં થતાં 20 વર્ષ પસાર થયાં હતાં. ત્યાર બાદ કેટલીય સરકાર આવી પણ યોજના પૂરી થઈ શકી નહોતી. 2014માં એનડીએ સરકાર વિલંબમાં રહેલી યોજનાઓની યાદી તૈયાર કરી તેમાં બાણસાગરનું પણ નામ હતું. જેના કારણે તેને પૂરી કરવામાં પૂરી ઊર્જા લગાડી દેવામાં આવી હતી.
 પીએમએ કહ્યું હતું કે, જે લોકો આજકાલ ખેડૂતો માટે મગરમચ્છનાં આંસુ વહાવી રહ્યા છે. તેઓને પૂછવું જોઈએ કે કેમ તેઓના શાસનમાં અધૂરી સિંચાઈ યોજનાઓ નજરે ચડી રહી નહોતી. કેમ આવા મહત્ત્વનાં કાર્યો અધૂરા છોડી દેવામાં આવ્યાં હતાં. બાણસાગર યોજના પણ આવા અપૂર્ણ વિચાર અને સીમિત ઈચ્છાશક્તિનું ઉદાહરણ છે. જેની મોટી કિંમત ખેડૂતોએ ચૂકવી છે અને દેશને પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડયો હતો. પટેલ બહુમત ધરાવતા મિર્ઝાપુરમાં મોદીએ અપના દળના સ્થાપક સોનેલાલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યંy હતું કે, પૂર્વાંચલનો વિકાસ તેઓની પ્રાથમિકતા છે અને ઉત્તરપ્રદેશના ગરીબ, વંચીત અને શોષિત લોકો માટે સોનેલાલ પટેલ જેવા કર્મશિલ લોકોએ જે સપનું સેવ્યું હતું. તેને આગળ વધારવા માટે સતત કામગીરી કરવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer