સુરતમાં તોફાની વરસાદ : એક બાળક ગટરમાં ગરકાવ,વીજળીના આંચકાથી યુવાનનું મોત

સુરતમાં તોફાની વરસાદ : એક બાળક ગટરમાં ગરકાવ,વીજળીના આંચકાથી યુવાનનું મોત

નવસારીનાં અનેક ગામોમાં નદીનાં પાણી ઘૂસ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 15 : આજે સવારથી સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. દોઢ દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાવવાનું શરૂ કર્યું હતું. સુરત શહેરમાં બપોર સુધીમાં તોફાની ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે સમગ્ર શહેરમાં ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં. વરાછામાં દસ વર્ષનું એક બાળક પાણીની ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. ફાયરબ્રિગેડની ટીમે બાળકની શોધખોળ ચાલુ કરી છે. પૂર્ણા નદી ગાંડીતૂર બનતાં અનેક ગામમાં પાણી ઘૂસ્યાં હતાં.  આજે સમગ્ર દિવસ દરમ્યાન તમામ વિસ્તારોમાં છૂટોછવાયો સરેરાશ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. 
સુરતના નીચાણવાળા વિસ્તારોથી લઈને રાજમાર્ગોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં. શહેરના પીપલોદ ગૌરવપથમાં પાણી ભરાતાં ઠેકઠેકાણે લોકોનાં વાહનો ડૂબ્યાં હતાં. રોડ સાઇડ પાર્ક કરેલી અનેક કાર ડૂબી ગઈ હતી. ઉપરાંત શહેરના નાના વરાછા વિસ્તારમાં ગટર ખુલ્લી રખાતાં 10 વર્ષનું બાળક એમાં ગરકાવ થઈ ગયું હતું. 
નાના વરાછામાં પાંચથી છ બાળકો ગટરના ઢોળાવ પાસે રમી રહ્યાં હતાં જેમાં એક બાળક પાણીના વહેણમાં ઢોળાવ પાસે વહી જતાં એ ગટરમાં ખાબક્યું હતું. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં બાળકને બચાવવાના પ્રયાસો શરૂ થયા છે. આ લખાય છે ત્યાં સુધી ફાયર વિભાગનું અૉપરેશન ચાલુ છે અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. 
બીજી તરફ આજે દરિયામાં ભરતીનાં પાણીએ નવસારીને જળબંબાકાર બનાવ્યુ હતું. નવસારીના જલાલપોરમાં નદીકિનારે બનાવાયેલો ભરતીનો માટીનો પાળો તૂટી જતાં ગામમાં પાણી ઘૂસી ગયાં હતાં એને કારણે જલાલપોર અને આસપાસનાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં હતાં. નવસારીમાં પણ આજે સવારથી ભારે વરસાદ પડયો હતો. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી હજીઅતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 
વીજળીના કડાકાભડાકા સાથે પડી રહેલા વરસાદ દરમ્યાન સુરત શહેરમાં આજે લિંબાયત વિસ્તારમાં એક યુવકના શરીરમાં પ્રવેશેલી વીજળી પગમાંથી નીકળી ગઈ હતી. યુવકના પગને ભારે ઈજા પહોંચી હતી. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
દરમિયાન હવામાન વિભાગે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 
દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર શરૂ થઇ છે. આજે પાલનપુર, દાંતા, અમીરગઢ, વડગામ, ડીસામાં વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી મુજબ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા અને નાથપુરા ગામે વીજળી પડતા ખેડૂતના ચાર પશુઓનાં મોત થયાં હતાં. દિયોદર, લાખણી  અને કાંકરેજ તાલુકામાં મેઘરાજાએ શનિવારે મધરાત્રે જ એન્ટ્રી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer