ફ્રાંસ ફૂટબૉલ સરતાજ

ફ્રાંસ ફૂટબૉલ સરતાજ
ફાઇનલમાં 4-2થી ઐતિહાસિક જીત મેળવી બીજી વાર ફિફા ટ્રોફી કબજે કરી : ક્રોએશિયાનું પહેલીવાર ચૅમ્પિયન બનવાનું સપનું તૂટ્યું
 
મોસ્કો, તા. 15 (પીટીઆઈ) : ફ્રાંસ ફીફા વર્લ્ડ કપ-2018માં ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયા સામે 4-2 ગોલથી ઐતિહાસિક જીત મેળવીને બીજી વાર ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ફ્રાંસ આ પહેલા 1998માં બ્રાઝિલને 3-0થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. હવે આજે ફ્રાંસની ટીમ છોટા દેશ બડે સપનેવાલા  ક્રોએશિયાનું વિશ્વ વિજેતા બનવાનું સપનું ચૂરચૂર કરીને ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ફ્રાંસને નસીબનો પણ પૂરો સાથ મળ્યો હતો. આ સાથે ફ્રાંસ ફૂટબોલ ઇતિહાસની છઠ્ઠી એવી ટીમ બની છે જેણે એકથી વધુ વખત ફીફા ટ્રોફી જીતી છે. ફ્રાંસના સુકાની ગોલકીપર હયુગો લોરિસે ફીફા ટ્રોફી ઉંચકી લીધી હતી અને ફ્રાંસને 260 કરોડનું ઇનામ મળ્યું હતું.
ફાઇનલમાં બન્ને ટીમે મળીને કુલ 6 ગોલ કર્યાં હતા. જે પાછલા ચાર ફાઇનલના નિર્ધારિત સમયના કુલ ગોલથી વધુ છે.
આ ઉપરાંત 1958 બાદ વર્લ્ડ કપના ફાઇનલમાં સૌથી 6 ગોલ થયા છે. 1958ના ફાઇનલમાં સ્વીડન સામે બ્રાઝિલનો 5-2 ગોલથી વિજય થયો હતો. 
ફાઇનલમાં પહેલા હાફમાં ક્રોએશિયાનો દબદબો રહ્યો હતો. તો બીજા હાફમાં અનુભવી ફ્રાંસ છવાઇ ગયું હતું અને 6 મિનિટના ગાળામાં પોલ પોગ્બા અને યુવા સનસની એમ્બાપેના અદભૂત ફિલ્ડ ગોલથી 4-1થી આગળ થયું હતું. જો કે મેચની 69મી મિનિટે ફ્રાંસના સુકાની ગોલકીપરહયુગો લોરિસની શરમજનક ભૂલથી ક્રોએશિયાના ઓન ગોલ કરનાર ખેલાડી માંજુકિચે ગોલ કરીને સ્કોર લાઇન 2-4 કરી હતી. આ અંતર ક્રોએશિયા તોડી શકી ન હતી. આથી ફ્રાંસ 4-2થી વિજેતા બનીને બીજીવાર ફીફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.
પહેલા હાફમાં ક્રોએશિયાનું આક્રમણ અદભૂત રહયું હતું, પણ નસીબ ફ્રાંસનો સાથ આપી રહયું હતું. મેચની 18મી મિનિટે ફ્રાંસને કોર્નર મળી હતી. જેને અટકાવવામાં ક્રોએશિયાના ડિફેન્સ ખેલાડી મારિયો માંજુકિયાને માથાને અડીને બોલ ગોલ પોસ્ટમાં ઘૂસી ગયો હતો. આ ઓન ગોલ (આત્મઘાતી ગોલ)ની મદદથી ફ્રાંસ 1-0થી આગળ થયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer