દૂધ આંદોલનકારીઓ વિરુદ્ધના કેસ પાછા ખેંચાશે, તોડફોડ કરનારાઓ સામેના નહીં : ફડણવીસ


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે હાલના આંદોલન દરમિયાન દૂધ ઉત્પાદકો વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસોને પાછા ખેંચી લેવામાં આવશે. આમ છતાં જેઓ ખેડૂત નથી તેઓ વિરુદ્ધ નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવશે નહીં. હિંસા કે તોડફોડ કરનારા વિરુદ્ધ કેસો થશે એમ ફડણવીસે ઉમેર્યું હતું. કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વીખે-પાટીલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલન દરમિયાન કેટલાંક સ્થળોએ ટેન્કર અને વાહનોને બાળવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર તેઓની માગણી સ્વીકારતી નથી. આમ છતાં આંદોલનમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ કલમ 151 (3) હેઠળ લૂંટના ગુના નોંધવામાં આવી રહ્યા છે. તે ગુના સરકારે પાછા ખેંચવા જોઈએ એમ વીખે-પાટીલે ઉમેર્યું હતું.
મનસે પણ આંદોલનમાં સામેલ રાજ ઠાકરેની આગેવાની હેઠળના મનસેએ પણ પાલઘર જિલ્લામાં બોઇસર ખાતે વસુંધરા કંપનીની દૂધની ગાડી પાછી મોકલી હતી. રાજુ શેટ્ટીએ આદરેલા આંદોલનમાં હવે મનસેએ પણ ઝંપલાવ્યું છે.
ડેરીઓએ સ્પષ્ટપણે કહ્યું, અમે ભાવ નહીં વધારીએ મહારાષ્ટ્રમાં ખાનગી ક્ષેત્રની મોટી ડેરી-સોનાઈએ સ્પષ્ટતા કરી છે કે તે આવતી 21મી જુલાઈથી દૂધ ઉત્પાદકોને લિટર દીઠ ત્રણ રૂપિયા વધુ ચૂકવીશું. જોકે, સહકાર અને ખાનગી ક્ષેત્રની ડેરીઓએ જણાવ્યું છે કે આ નિર્ણયમાં અમે સહભાગી નથી. ઇન્દાપુર પરિસરની ડેરીઓ 17થી 18 રૂપિયા લિટરના ભાવે દૂધ આપે છે. જ્યારે સાંગલી-કોલ્હાપુરની ડેરીઓ 20થી 23 રૂપિયા લિટરના ભાવે દૂધ આપે છે.
`ચક્કાજામ' આંદોલન માટે ખેડૂતોની સાથે ઢોરોને પણ સામેલ કરાશે
આંદોલન અંગે મહારાષ્ટ્ર સરકારે મક્કમ વલણ અપનાવ્યું છે. તેથી રાજુ શેટ્ટીએ હવે ચક્કાજામ આંદોલનની હાકલ કરી છે. સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રવિ તૂપકરે જણાવ્યું હતું કે અમારા ખેડૂતોનાં ટોળાંને પોલીસ બળ વડે વિખેરી શકાય છે. તેથી હવે અમે ચક્કાજામ આંદોલનને અસરકારક બનાવવા ઢોરોને પણ આંદોલનમાં સામેલ કરશું. ઢોરોને વિખેરવાનું મુશ્કેલ હોય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer