હવે થરુરે કહ્યું `હિન્દુ તાલિબાન''

અૉફિસ તોડફોડ મામલે ભાજપ પર હિન્દુ ધર્મના તાલિબાનીકરણનો આરોપ લગાવ્યો : કેન્દ્રીય પ્રધાને કહ્યું, જાઓ પાકિસ્તાન
 
નવી દિલ્હી, તા. 18 : `હિન્દુ પાકિસ્તાન'વાળું નિવેદન આપીને ભારે વિવાદ જગાવનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે તેમની ઓફિસ પર હુમલાના દિવસો બાદ ભાજપ પર ફરી એક  આકરો હુમલો કરી હિન્દુવાદનું `તાલિબાનીકરણ' થઈ રહ્યાનો પ્રહાર કર્યો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ તો થરૂરને પાકિસ્તાન જવાની સલાહ આપીને વળતો પ્રહાર કર્યો હતો કે થરૂર પોતે તાલિબાની છે. 
થરૂરે કહ્યું હતું કે, ભાજપના લોકો એવું ઈચ્છે છે કે, હું પાકિસ્તાન ચાલ્યો જાઉં. તેમને આ અધિકાર કોણે આપ્યો. શું હું તેમની જેમ જ હિન્દુ નથી? શું મને આ દેશમાં રહેવાનો અધિકાર નથી? શું આ લોકો હિન્દુ ધર્મની અંદર જ તાલિબાનને સ્થાપિત કરવાની શરૂઆત નથી કરી રહ્યા?
શશી થરૂરે કહ્યું કે, ભાજપના લોકો દ્વારા `હિન્દુ રાષ્ટ્ર' બનાવવાની વાતો ઘણી ખતરનાક છે. આ વિચારધારા દેશને નષ્ટ કરી નાખશે.
ઉલ્લેખનીય છે કે ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ)એ કોંગ્રેસ નેતા પાસે `હિન્દુ પાકિસ્તાન' નિવેદન મામલે માફીની માંગ સાથે તેમની ઓફિસમાં સોમવારે તોડફોડ કરી હતી.
તોડફોડના સંદર્ભમાં બીજેવાયએમના પાંચ કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં ગઈકાલે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. ભાજપ કાર્યકરોએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીને ગઈકાલે કાળા ઝંડા દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે કેરળમાં ગયા સપ્તાહે પક્ષના એક સમારોહમાં થરૂરે કહ્યું હતું કે, જો 2019ની ચૂંટણીમાં ભાજપ ફરી જીતી જશે તો બંધારણ ખતરામાં પડી જશે અને ભાજપ પોતાના `હિન્દુ રાષ્ટ્ર' સિદ્ધાંતના તત્ત્વોને સમાહિત કરવા માટે બધું કરી છૂટશે. આવું થવાથી ભારત `હિન્દુ પાકિસ્તાન' બની જશે.
થરૂરની આ ટિપ્પણીએ ભારે વિવાદ જગાવ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer