મુંબઈને `ખાડા''માં નાખનારા કૉન્ટ્રેક્ટરો સામે થશે કઠોર કાર્યવાહી : રોજ એક લાખ રૂપિયાનો દંડ


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈમાં રસ્તા પર પડેલા ખાડાને લીધે પાલિકાની જોરદાર ટીકા થઈ રહી હોવાથી એણે બેદરકારી દેખાડનાર કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. એક કૉન્ટ્રેક્ટરને બ્લૅક-લિસ્ટ કરાયો છે તો અન્ય એક કૉન્ટ્રેક્ટરને ખાડા પૂરીને જ્યાં સુધી સારા રસ્તા ન બને ત્યાં સુધી દરરોજ એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. આવી કાર્યવાહી થકી રસ્તા પરના ખાડા પૂરનારા કૉન્ટ્રેક્ટરોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે.
રસ્તા પર પડેલા ખાડા થકી પાલિકાના શિવસેના સહિત દરેક પક્ષે ટીકા કરી હતી. એ વખતે પ્રશાસને 48 કલાકમાં મુંબઈના બધા ખાડા ભરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેમની એ ડેડલાઇન પૂરી થઈને બે દિવસ વીતી ગયા છતાં રસ્તા પર અનેક ઠેકાણે ખાડા દેખાઈ રહ્યા છે. ખાડા પૂરવાનું કામ કરનાર કૉન્ટ્રેક્ટરોએ શાત્રોક્ત પદ્ધતિથી જ કરવું પડશે. પૂરવામાં આવેલો ખાડો ફરી પાછો ઊખડી ગયો તો સંબંધિત કૉન્ટ્રેક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકાએ અગાઉ જ જાહેર કર્યું છે. એ મુજબ રસ્તા પરના ખાડા પૂરવાનું કામ ખોટી પદ્ધતિથી કરનાર મનદીપ સિંગ કન્સ્ટ્રકશનને બ્લૅક-લિસ્ટ કરાઈ છે. તો બીજી તરફ બીપીએસપીએલ વિશાલ ઍન્ડ કન્સ્ટ્રકશનને જ્યાં સુધી રસ્તાનું કામ પૂર્ણપણે વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી દરરોજ એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પાલિકાના અધિકારીએ કહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer