સબરીમાલામાં ત્રીઓને પ્રવેશનો હક્ક : સુપ્રીમ કોર્ટ

સબરીમાલામાં ત્રીઓને પ્રવેશનો હક્ક : સુપ્રીમ કોર્ટ

મંદિરમાં પ્રાર્થનાની છૂટ પુરુષ જેટલી જ  મહિલાને પણ મળવી જોઈએ
 
નવી દિલ્હી, તા. 18 : દેશની સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલી રોકનો વિરોધ કર્યો છે. બેન્ચનું કહેવું છે કે મંદિર એક જાહેર જગ્યા છે અને મહિલાઓને પણ પુરુષો જેટલો જ પ્રાર્થના કરવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે દેશમાં ખાનગી મંદિર એવો કોઈ સિદ્ધાંત નથી. મંદિર કોઈ ખાનગી સંપત્તિ નથી, તે જાહેર સ્થળ છે. એવાં જાહેર સ્થળ છે કે જ્યાં પુરુષો જઈ શકતા હોય તો મહિલાઓને પણ જવાની છૂટ મળવી જ જોઈએ.
સીજેઆઈએ જણાવ્યું હતું કે મંદિર ખૂલતું હોય ત્યારે તેમાં કોઈ પણ પ્રવેશી શકતો હોય છે. કયા આધાર પર કોઈના પ્રવેશ પર રોક લગાવવામાં આવે છે. આ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. 
બીજી તરફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે જણાવ્યું હતું કે બંધારણની કલમ પચ્ચીસ હેઠળ તમામ નાગરિક કોઈ પણ ધર્મના પાલન કે પ્રચાર માટે સ્વતંત્ર છે. તેનો મતલબ એ છે કે એક મહિલા તરીકે તમારો પ્રાર્થના કરવાનો અધિકાર કોઈ પણ વિધાનની અધીન નથી. આ તમારો બંધારણીય અધિકાર છે. અદાલતે આ કેસમાં થર્ડ-પાર્ટી હસ્તક્ષેપ પણ નકારી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે કેરળ સરકાર પણ આ મુદ્દા પર પોતાના વલણમાં ત્રણ વખત બદલાવ કરી ચૂકી છે. 2015માં રાજ્ય સરકારે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલી રોકનું સમર્થન કર્યું હતું પરંતુ 2017માં તેનો વિરોધ કર્યો હતો. આ વર્ષે સરકારે કહ્યું હતું કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ.
ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજીમાં સુનાવણી વેળા આ ટિપ્પણી આપી હતી. આ અરજીમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરી માગવામાં આવી હતી. કેરળ હાઈકોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર મુકાયેલા પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer