કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
લોકસભામાં શુક્રવારે ચર્ચા બાદ મતદાનની સંભાવના
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 18 :  સંસદના ચોમાસું સત્રનો આજે પ્રારંભ થયો હતો અને સત્તાધારી મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસની દરખાસ્તને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકારી લેતાં તેના પર ગૃહમાં શુક્રવારે ચર્ચા અને ત્યાર બાદ મતદાનની સંભાવના છે.
સંસદના બજેટ સત્ર દરમિયાન વિપક્ષો કૉંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તને શોરબકોર અને ધાંધલધમાલના કારણે સ્વીકારવામાં આવી નહોતી પરંતુ આજે ચોમાસું સત્રના પહેલા જ દિવસે મોદી સરકારે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની વાત કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનને અનુરોધ કર્યો હતો કે તેઓ વિપક્ષની આ દરખાસ્તને સંસદમાં રજૂ કરી શકે છે.
અનંતકુમારે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ પર ચર્ચા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તેઓ સંસદમાં એ વાત સ્પષ્ટ કરી દેવા માગે છે કે લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ છે' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સંસદ પરિસરમાં આજે એવી વાતો થઈ હતી કે મોદી સરકારે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચાની તૈયારી બતાવીને વિપક્ષી દળોના સઢમાંથી હવા કાઢી નાખી હતી. મોદી સરકારે આમ કરીને વિપક્ષને આશ્ચર્યનો આંચકો આપ્યો છે.
મંગળવારે અત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના ઘટક પક્ષોની બેઠકમાં જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી કૉંગ્રેસની આગેવાની હેઠળ વિરોધપક્ષો આપણી સરકારની વિરુદ્ધમાં મિથ્યા આરોપો લગાવી રહ્યા છે આવી સ્થિતિમાં એનડીએના ઘટક પક્ષોએ વિપક્ષોના આરોપોના જવાબ આપીને તેમની પોલ ખોલવી જોઈએ અને તેમને જનતા સમક્ષ ખુલ્લા કરવા જોઈએ. આનો એવો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા માટે તૈયાર છે અને તે વિપક્ષોના તમામ આરોપોનો તથ્યો અને પુરાવાઓ સાથે વિસ્તારપૂર્વક જવાબ આપશે. અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપશે અને સંસદની કાર્યવાહીનું સીધું પ્રસારણ ટીવી પર થતું હોવાથી દેશની જનતા તે સાંભળશે જેની વ્યાપક અસર થશે.
આજે સંસદ પરિસરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ જાતની ચર્ચા માટે તૈયાર છે વર્ષા સત્રમાં દેશહિતની ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો પર નિર્ણય લેવો જરૂરી છે. જેટલી વ્યાપક ચર્ચા થશે અને વરિષ્ઠ અનુભવી સાંસદોનું માર્ગદર્શન મળશે એટલો દેશને લાભ થશે. સરકારને પણ સારા સૂચનોનો ફાયદો થશે, એમ વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer