બે દાયકામાં આ વર્ષે કઠોળની આયાત સૌથી ઓછી

બે દાયકામાં આ વર્ષે કઠોળની આયાત સૌથી ઓછી
મુંબઈ, તા. 19 : ભારત સરકારે કઠોળની આયાત આ ડયૂટી વધારી દેતા દેશમાં કઠોળની આયાત બે દાયકામાં સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. જેની અસર કેનેડા-અૉસ્ટ્રેલિયાના ખેડૂતો સુધી વર્તાઈ રહી છે.
વટાણા, ચણા, મસૂર વગેરે કઠોળના ભાવ મક્કમ રહે અને સ્થાનિક ખેડૂતોને તેના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે આયાત પર અંકુશ મૂકયા છે. તેને કારણે કેનેડા, અૉસ્ટ્રેલિયા અને રશિયા જેવા દેશોના ખેડૂતોએ કઠોળનું વાવેતર ઘટાડવું પડયું છે. તેમણે અન્ય દેશોના બજાર શોધવા પડે છે. આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં રાખી મનાય છે કે નાણાકીય વર્ષ 2018-19માં ભારતમાં કઠોળની આયાતમાં લગભગ 80 ટકાનો ઘટાડો થાય એવી સંભાવના છે. આયાત ઘટીને 12 લાખ ટન થાય એવી શક્યતા છે, જે 2000-2001થી અત્યાર સુધીમાં સૌથી ઓછી હશે. મર્યાદિત આયાતના નિયમો અને તેના પર જંગી આયાત ડયૂટીના કારણે આયાત ઘટી ગઈ છે.
ભારતે પીળા વટાણા, લીલા વટાણા, કાબુલી ચણા જેવા કેટલાક કઠોળ પર તો 50 ટકા જંગી આયાત ડયૂટી લાગુ કરેલી છે. 2017-'18માં દેશમાં 56.8 લાખ ટન કઠોળની આયાત થઈ હતી, જે તેના અગાઉના વર્ષના કરતા 15 ટકા ઓછી હતી. વર્ષ 2000-2001માં 3.5 લાખ ટન કઠોળની આયાત થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer