રાજકોટમાં ચાંદી રૂા. 39 હજારની અંદર

રાજકોટમાં ચાંદી રૂા. 39 હજારની અંદર
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 19 : કિંમતી ધાતુઓના ભાવ રોજબરોજ તૂટી રહ્યા છે. સોનું 2018ની નવી તળિયાની સપાટીએ ડૉલરની તેજીના પ્રભાવને લીધે પહોંચ્યું હતું. ન્યૂ યોર્કમાં 1214 ડૉલર પ્રતિ ઔંસના ભાવ હતા. ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે અમેરિકાનું અર્થતંત્ર મજબૂત રહેવાની આગાહી કરી છે તેના કારણે વ્યાજદર પણ વધશે તેવા ભયને લીધે સોનામાં નવી લેવાલી અટકી ગઇ છે. ફંડો વેચવાલ બન્યા છે.
હોંગકોંગના ડિલર લી ચીઓંગ કહે છે,સોનું ડૉલરની અસરથી ચાલી રહ્યું છે. ડૉલરમાં તેજી છે એટલે સોનામાં રોકાણ માટે આકર્ષણ ઘટી ગયું છે. વ્યાજદર વધશે તેમ જણાતું હોવાને લીધે સોનામાં હાલ પૂરતી તેજી નથી. બજારમાં ભય તો હતો જ એવામાં પોવેલનું નિવેદન બજારને વધુ મંદી તરફ લઇ ગયું છે. એમકેએસ ગ્રુપના વિશ્લેષક કહે છે, સોનું ઓવરસોલ્ડ છે છતાં 1236નું સ્તર ન વટાવે ત્યાં સુધી તેજી મુશ્કેલ છે. હવે 1206 ડૉલર મહત્વની ટેકારૂપ સપાટી છે. એ તૂટે તો સોનું 1180 સુધી આવી શકે છે.
ચાંદી પણ ઘટીને 15.21 ડૉલર સુધી આવી ગઇ હતી. છેલ્લે જુલાઇ 2017માં 15.33નું સ્તર જોવાયું હતું. આજે 15.21નો ભાવ થયો છે. ઘટતી બજારને લીધે બન્ને ધાતુઓમાં ફિઝીકલ માગ સાવ ઘટી ગઇ છે. મુંબઇ અને રાજકોટની ઝવેરી બજારોમાં સોનાનો ભાવ જળવાયેલો હતો. મુંબઇ સોનું 10 ગ્રામે રૂા. 29,850 હતું. રાજકોટમાં રૂ. 30,800 હતું. રાજકોટ ચાંદી એક કિલોએ રૂા. 1150 તૂટીને રૂા. 38,500 અને મુંબઇમાં રૂા. 195 તૂટીને રૂા. 37,740 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer