એશિયન બજારોમાં નરમાઈ અને અવિશ્વાસ દરખાસ્ત વચ્ચે શૅરબજારો નૅગેટિવ ફલૅટ બંધ થયાં

એશિયન બજારોમાં નરમાઈ અને અવિશ્વાસ દરખાસ્ત વચ્ચે શૅરબજારો નૅગેટિવ ફલૅટ બંધ થયાં
ઘટાડા વચ્ચે એફએમસીજી શૅર્સમાં ખરીદી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : શૅરબજાર આજના ટ્રેડિંગ દરમિયાન મોટા ભાગે સ્થિરતાસભર વધઘટ સાથે ટ્રેડિંગ અંતે ઘટાડે રહ્યું હતું. લોકસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તની શુક્રવારે ચર્ચા હોવાથી બજારમાં સાવચેતીનું વલણ હતું. જોકે, આ દરખાસ્તની અસર આંશિક રહેશે. આજે એનએસઈ ખાતે નિફટી અગાઉના બંધ 10980થી ઉપર 10999 ખૂલીને 11,006 થયા પછી ઘટીને 10935ની નીચી સપાટીએ ગયો હતો, પરંતુ આરઆઈએલ, એમઍન્ડએમ, આઈટીસી અને એશિયન પેઈન્ટ અને એમઍન્ડએમમાં નીચા મથાળે લેવાલી નીકળતાં ટ્રેડિંગ અંતે નિફટી થોડો સુધરવા છતાં 23 પૉઈન્ટ ઘટીને 10957 બંધ થયો હતો. જ્યારે બીએસઈમાં સેન્સેક્ષ 22 પૉઈન્ટના ઘટાડા સાથે 36351ના સ્તરે બંધ રહ્યો હતો.
આજના ઘટાડા વચ્ચે એફએમસીજી ઈન્ડેક્સ 0.7 ટકા સુધર્યો હતો, જેમાં કોલગેટ પામોલિવ 1.5 ટકા, આઈટીસી રૂા. 4, એચયુએલ રૂા. 5 સુધારે રહ્યા હતા. જોકે, મેટલ ઈન્ડેક્સમાં ઘટાડા છતાં વેદાન્ત રૂા. 4 સુધારે હતો. જોકે, ટિસ્કોનો ઘટાડો રૂા. 7 ચાલુ રહ્યો છે. શૅરના ભાવમાં રૂા. 500ની સપાટી તૂટી છે.
આજના ઘટાડામાં અવિશ્વાસની દરખાસ્ત સાથે ચીનના શૅરબજારનો સતત થતો ઘટાડો વધુ અસરકર્તા ગણી શકાય. આજના ઘટાડામાં એનએસઈના નિફટીમાં અગ્રણી શૅરોમાં 22 શૅરના સુધારા સામે 28 શૅરના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે, પીએસયુ બૅન્કમાં અગ્રણી એસબીઆઈ અને બીઓબી થોડા સુધારે હતા. ભારતના મેટલ-સ્ટીલ ક્ષેત્રને અમેરિકાની ટ્રેડવૉર અસર કરશે, તેવા પોલાદપ્રધાનના નિવેદનથી હિન્દાલ્કોનો ભાવ 8 ટકા ઘટીને ચાર વર્ષના તળિયે રૂા. 197 પર ઊતર્યો હતો. મિડકેપ-સ્મોલકેપમાં માઈન્ડ ટ્રી 12 ટકા ઘટયો હતો. એલઍન્ડટી, ઈન્ફોટેક, હેકસાવેર ટેક્નૉલોજીસ પણ 8 ટકા ઘટયા હતા, જ્યારે ઈડી દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવાના અહેવાલથી પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ 5 ટકા ઘટયો હતો. છ મહિનાથી જંગી ઉઠાપટક કરનાર પીસી જ્વેલર્સમાં આજે 13 ટકાના નવા ઘટાડા થકી રૂા. 68નું તળિયું આવ્યું હતું. અઠવાડિયા દરમિયાન શૅરનો ભાવ રૂા. 43 ઘટયો હતો. આજે આઈડીબીઆઈના ડેટ શૅર હિસ્સાને એલઆઈસીએ ખરીદવાથી તેના પોર્ટફોલિયોની કમાણી પર નકારાત્મક અસરની ચર્ચા બજારમાં થતી હતી.
દરમિયાન નિફટીના અગ્રણી શૅરોમાં એમઍન્ડએમ રૂા. 10, આરઆઈએલ રૂા. 12, એશિયન પેઈન્ટ રૂા. 10, મારુતિ સુઝુકી રૂા. 22, ભારતી ઍરટેલ રૂા. 7 સુધારે હતા, જ્યારે ઘટાડામાં કોટક બૅન્ક રૂા. 55, ટીસીએસ રૂા. 18, ડૉ. રેડ્ડીઝ રૂા. 38, એલઍન્ડટી રૂા. 34, સિપ્લા રૂા. 17, એચડીએફસી રૂા. 21, ઈન્ફોસીસ અને એસસીએલ અનુક્રમે રૂા. 6 અને રૂા. 10 ઘટયા હતા.
વૈશ્વિક બજારો
અમેરિકામાં વોલસ્ટ્રીટના સુધારા વચ્ચે ચીનનાં બજારોના ઘસારાના સામસામા અહેવાલથી એશિયન બજારો સાંકડી વધઘટે અથડાઈ ગયાં હતાં. છેલ્લા અહેવાલ પ્રમાણે એશિયન બજારનો એમએસસીઆઈ બ્રોડેકસ ઈન્ડેકસ (જપાન બહાર) માંડ 0.1 ટકા સુધરીને બંધ હતો. જોકે, જપાન ખાતે નિક્કી 0.13 ટકા ઘટાડે હતો. ચીનના યુઆનનો ભાવ નવા તળિયે જવાથી એશિયન બજારોનું મોરલ ખરડાયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer