રિક્ષા-ડ્રાઇવરની પ્રામાણિકતા ભાઇંદરનાં જૈન મહિલાની સવા લાખ


રૂપિયા ભરેલી બૅગ પરત કરી!

મુંબઈ, તા. 19 : ભાડાં નકારવાની બાબતે રિક્ષા-ડ્રાઇવર અને ગ્રાહકો વચ્ચે થતો વિવાદ નવી વાત નથી, પરંતુ કેટલાક એવા પ્રામાણિક રિક્ષા-ડ્રાઇવરો પણ છે જેમને લીધે તેમનું માન-સન્માન જળવાઈ રહે છે. આવા એક ઇમાનદાર રિક્ષા-ડ્રાઇવર છે અતુલ મનોહર બોરડ.
તેમણે ઇમાનદારી અને માણસાઈ દેખાડીને ભાઇંદરની એક અજાણી મહિલા પ્રવાસીની સવાલાખ રૂપિયા ભરેલી બૅગ બોરીવલી પોલીસની મદદથી તેમને પાછી સોંપી દીધી હતી.
ઉતાવળમાં બૅગ રિક્ષામાં રહી ગઈ
બોરીવલી પોલીસે જણાવ્યું હતું કે ભાઇંદરમાં રહેતાં કરિશ્મા જૈને બોરીવલીથી ભાઇંદર જવા માટે રિક્ષા કરી હતી. ઘરે જતાં તેમને રાતે 8 વાગી ગયા હતા, એટલે ઉતાવળમાં હોવાથી કરિશ્માબહેન રૂપિયા ભરેલી બૅગ લીધા વિના ઊતરી ગયાં હતાં. ઘરે પહોંચ્યા બાદ કરિશ્માને જાણ થઈ કે રૂપિયા ભરેલી બૅગ રિક્ષામાં ભુલાઈ ગઈ છે. તેઓ ફરી જ્યાં ઊતર્યાં હતાં. ત્યાં જોવા ગયાં પણ એટલામાં રિક્ષા ત્યાંથી નીકળી ગઈ હતી. બૅગમાં 1,25,000 રૂપિયા અને સોનાની એક ચેન હતી. રિક્ષામાં ભુલાઈ ગઈ એ વાતની જાણ થતાં ઘરમાં ધમાચકડી મચી ગઈ. મધ્યમ વર્ગીય પરિવાર હોવાથી બધા ચિંતામાં મુકાઈ ગયા. આખરે કરિશ્માએ ભાઇંદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
રિક્ષા-ડ્રાઇવરે યુનિયન અને પોલીસનો સંપર્ક કર્યો
રિક્ષા-ડ્રાઇવર અતુલ બોરડે કરિશ્માને ઘરે છોડયા બાદ અનેક પૅસેન્જરોને રિક્ષામાં બેસાડયા હતા અને રાતે 10 વાગ્યે રિક્ષા બંધ કરીને પાર્કિંગ કરતો હતો ત્યારે તેને જાણ થઈ કે રિક્ષામાં બૅગ છે. પહેલાં તો તે બૅગ જોઈને ગભરાઈ ગયો કે કદાચ એમાં બૉમ્બ હશે તો? પણ પછી તેણે રિક્ષા યુનિયનનો સંપર્ક કર્યા બાદ 11 વાગ્યે બોરીવલી પોલીસ સ્ટેશને પહોંચ્યો. બોરીવલીના પીએસઆઈ વિજય જાધવે કન્ટ્રોલ રૂમને જાણકારી આપ્યા બાદ ભાઇંદર પોલીસ સ્ટેશને બૅગ ગુમાઈ હોવાની ફરિયાદ મળી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ બોરીવલી પોલીસને કરિશ્મા જૈનનો ફોન નંબર મળ્યો. જાધવે કરિશ્માને બૅગ મળી ગઈ હોવાનું કહેતાં કરિશ્મા અને તેના ઘરનાઓની ખુશીનો પાર રહ્યો નહોતો.
બીજા દિવસે કરિશ્મા બોરીવલી પોલીસ સ્ટેશને પહોંચ્યાં ત્યારે સિનિયર પીએસઆઈ લક્ષ્મણ ડુંબરેની હાજરીમાં પોલીસ અધિકારી જાધવે તેમને રૂપિયા ભરેલી બૅગ અને ચેન સોંપી દીધી હતી. ત્યાર બાદ પોલીસોએ રિક્ષા-ડ્રાઇવર અતુલનું સન્માન કર્યું હતું અને તેની ઇમાનદારીને બિરદાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer