રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ડૅમોમાં પાણીની આવક


હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનો મારો શરૂ
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજા હવે રાજસ્થાન પર મહેરબાન થયા છે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડૅમોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદે ઉત્તર ગુજરાત તરફ આગેકૂચ કરી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે મારો શરૂ કરતાં બનાસકાંઠાની બબુકરી નદી જીવંત બની છે અને એ બેકાંઠે વહેતી થઈ છે જે દાંતીવાડા ડૅમને મળે છે. જ્યારે અંબાજીમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંબાજીમાં ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું. મંદિરની આસપાસ ભારે માત્રામાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત અરવલ્લી, બાયડ અને ભિલોડામાં પણ વરસાદનું સારું એવું જોર રહ્યું હતું. ભિલોડામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે પાલનપુરમાં પડેલા વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાલનપુરમાં નગરપાલિકા ભવનની પાસે જ વરસાદી પાણી ભરાયાં હતાં જેનો નિકાલ નહીં થતાં તંત્ર લોકોની ટીકાનું કારણ બન્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer