વરસાદથી પાકને નુકસાન, શાકભાજીના ભાવમાં ઉછાળો

મુંબઈ, તા. 19 : મુંબઈ અને ઉપનગરોમાં શાકભાજીનો પુરવઠો કરનારા નાસિક અને પુણે જિલ્લાને વરસાદે ઘમરોળી નાખતાં શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે અને આવક ઘટી ગઈ છે. એને લીધે જથ્થાબંધ બજારમાં શાકભાજીના ભાવ 40 ટકાથી વધી ગયા હોવાનું એપીએમસીના વેપારીઓએ જણાવ્યું હતું. બુધવારે એપીએમસી બજારમાં બપોર સુધી શાકભાજીની 653 ટ્રક આવી હતી. 
ચાર-પાંચ દિવસથી રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં શાકભાજી, કાંદા, બટાટા પૂરા પાડનારા ઉત્તર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદને લીધે પાકને ભારે નુકસાન થયું છે. જથ્થાબંધ બજારમાં ભાવ વધ્યો હોવાથી છૂટક બજાર પર પણ તેની અસર પડવાથી ભીંડા, ફણસી, ગુવાર, વાલોળ, કારેલા, સિમલા મરચાં, સરગવાની શીંગ, ટામેટા, ટીંડોળા, વટાણા, લીલાં મરચાં વગેરેના ભાવ વધી ગયા છે. લીલા કાંદા, કોથમીર અને મેથીની ઝૂડી પણ મોંઘા થઈ ગયાં છે. 
ટામેટાંના ભાવ આસમાને
વરસાદને લીધે ટામેટાના પાકને પણ અતિશય નુકસાન થયું છે. બે દિવસથી એપીએમસી માર્કેટમાં ટામેટાંની આવક ઘટી ગઈ છે. જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ કિલોદીઠ 28 રૂપિયા થઈ ગયા છે તો છૂટક બજારમાં ભાવ 45થી 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દસ દિવસ પહેલાં જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ 18 રૂપિયા હતા.
એપીએમસી માર્કેટમાં ટામેટાંની રોજ 60થી 70 ગાડી આવે છે. બુધવારે ફક્ત 17 ટ્રક અને 70 ટેમ્પોની આવક થઈ હતી. મુંબઈમાં પુણે, નગર, સંગમનેર, સતારા, બારામતીથી ટામેટાં આવે છે.
શાકભાજીના ભાવ પ્રતિ કિલો (રૂપિયામાં)
શાકભાજી                જથ્થાબંધ કિંમત      છૂટક કિંમત
ભીંડા                      35થી 40                50થી 60
ફણસી                     50થી 60                90થી 100
ગુવાર                      50થી 60               70થી 80
કારેલા                     30થી 35                60થી 70
સરગવાની શીંગ       40થી 48                55થી 70
ટીંડોળા                    28થી 30                32થી 45
વટાણા                    55થી 65                100થી 120
તૂરિયા                     40થી 45                60થી 70
રીંગણ                     30થી 35                55થી 60
ગાજર                     20થી 25                40થી 50
કાકડી                      20થી 25                40થી 50
દૂધી                        20થી 25                40થી 55

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer