કાલે જી.એસ.ટી.માં રાહત મળવાના સંકેત

 
શનિવારે કાઉન્સિલની બેઠક : 24થી 32 વસ્તુના દરમાં ઘટાડો કરાય તેવી વકી
 
નવી દિલ્હી, તા. 19 : આવતા શનિવારે યોજાનારી જી.એસ.ટી. કાઉન્સિલની બેઠક બાદ દેશની સામાન્ય જનતાને રાહત મળવાના સંકેત મળી રહ્યા છે. મોટી રાહતરૂપે આ બેઠકમાં 24થી 32 ઉત્પાદનોના જી.એસ.ટી. દર ઘટાડવાનો ફેંસલો લેવાઇ શકે છે.
આ બેઠકમાં જોબવર્કની સેવાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, હોટલમાં રોકાણ, હસ્તકલા જેવી સેવાઓ તેમજ વસ્તુઓનાં દર નીચા લાવવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ આઇટમોને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકાના સ્લેબમાં લાવી શકાય છે જ્યારે ઇલેક્ટ્રોનિક બૂક પર જી.એસ.ટી.નાં દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા થઇ?શકે છે. આ ઉપરાંત અનેક અન્ય જરૂરી આઇટમોને 12 ટકાના સ્લેબમાંથી કાઢીને પાંચ ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવી શકે છે.
પર્યટન સ્થળ પર ફરવું અને રોકાવું સસ્તું બની શકે છે કારણ કે હોટલ રૂમના ભાડાં પર વાસ્તવિક અને ઘોષિત ભાડાં વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થઇ શકે છે. હોટલ રૂમ પર ઘોષિતની જગ્યાએ વાસ્તવિક રેન્ટ પર જી.એસ.ટી. લગાવવામાં આવી શકે છે, તેનાથી હોટલ 18 ટકાના સ્લેબમાં આવી જશે.
જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં 28 ટકાના સ્લેબવાળા ઉત્પાદનો પર હાલ જી.એસ.ટી.નાં દર ઘટાડવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે તેનાથી સરકારની તિજોરી પર અસર થશે. આ સ્લેબમાં 42 પ્રોડક્ટ જ રહી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં નેચરલ ગેસને જી.એસ.ટી.માં લાવવા પર ચર્ચા થઇ શકે છે. જો કે, એટીએફને તરત જી.એસ.ટી.માં લાવવાની શક્યતા ખૂબ ઓછી છે. જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં સિમેન્ટ અને પેટન્ટ પર જી.એસ.ટી. ઘટાડીને 18 ટકા કરવા પર ચર્ચા થઇ શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer