સીએનજી પંપ માલિકો સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર


કમિશન વધારવાના મામલે સરકાર ન ઝૂકતાં પંપમાલિકો આંદોલન કરશે

સુરત, તા. 19 : આગામી 23મી જુલાઈથી રાજ્યભરનાં સીએનજી પંપ સંચાલકોએ કમિશન મામલે અચોક્કસ મુદતની હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ગુજરાત સીએનજી પંપ ફ્રેન્ચાઈઝી એસોસીએશન સુરત અને દક્ષિણ ગુજરાતમાં આવેલાં 45 જેટલાં સીએનજી પંપ સચાલકોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને પડતર માગણીઓને લઈને હડતાળ પર જવાનું નક્કી કર્યુ છે. 23મીથી અચોક્કસ મુદતની હડતાળમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, કાગવડ, સુરેન્દ્રનગરનાં પંપો જોડાશે.
સીએનજી પંપ સંચાલકોએ એવી ફરિયાદ કરી છે કે ગુજરાત ગેસ કંપની સરકારી પેટ્રોલ પંપને પ્રતિ કિલો રૂા. 3.17 કમિશન આપે છે જ્યારે ફ્રેન્ચાઈઝી પંપને પ્રતિ કિલો માત્ર રૂા. 2.60 કમિશન આપે છે. ગુજરાત ગેસનાં આ પ્રકારનાં ભેદભાવી વલણનાં કારણે ખાનગી ફ્રેન્ચાઈઝીઓએ સ્પર્ધામાં ટકી રહેવાનું મુશ્કેલ બન્યું છે.
નોંધવું કે, એક ફ્રેન્ચાઈઝી સરેરાશ સાત હજાર કિલો સીએનજીનું વેચાણ કરે છે. મોટી સંખ્યામાં વેચાણ હોવા છતાં ખાનગી ફ્રેન્ચાઈઝી સંચાલકો સાથે કમિશન મામલે અન્યાય થઈ રહ્યો છે. 
આ મામલે અગાઉ ગુજરાત ગેસને રજૂઆત કરવામાં આવી હતી. ગત જાન્યુઆરી માસમાં રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ ગત જૂન માસમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે આ મામલે કંપનીએ નિર્ણય લેવાની ખાત્રી આપી હતી. પરંતુ, હજુ સુધી કમિશન વધારવા અંગે કોઈ જ નિર્ણય કંપનીએ કર્યો ન હોવાથી ગેસ ફ્રેન્ચાઈઝીએ હડતાલ પર જવાનું નક્કી કર્યુ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer