ખાસ મોદીની સભાને ટાર્ગેટ બનાવતી વીઆઈપી ખિસ્સાકાતરુ ટોળકી


એક વર્ષમાં 5000 મોબાઈલ સગેવગે કર્યા : ઈસ્ટર્ન પેરિફેરલ યોજનાના ઉદ્ઘાટનમાં ખિસ્સાકાતરુએ મચાવી હતી સનસની : ખિસ્સા કાતરવાના સ્થળે જવા ફ્લાઈટનો ઉપયોગ
 
નવી દિલ્હી, તા. 19 : આખા દેશમાં આયોજનબદ્ધ રીતે ખિસ્સા કાતરતી એક ટોળકીનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ગેંગનો સરગના સાથીદારો સાથે પોલીસની ઝપટે ચડી ગયો છે. ખિસ્સાકાતરૂઓની પૂછપરછ દરમિયાન ખુલ્યું હતું કે, મે મહિનામાં ઈસ્ટર્ન પેરિફેરલ ઉદ્ઘાટન સમારોહમાં પણ ખિસ્સાકાતરી સનસની ફેલાવવામાં આ ગેંગનો જ હાથ હતો. પોલીસના કહેવા પ્રમાણે ગેંગ અખબારોમાં લાઈવ કોન્સર્ટ અને કાર્યક્રમો ઉપર નજર રાખીને ઓનલાઈન ટીકિટ બૂક કરાવતી હતી અને ખિસ્સાકાતરવા માટે ફ્લાઈટમાં રવાના થતા હતા.  ત્યારબાદ દુરંતો કે રાજધાની એક્સપ્રેસમાં પરત ફરતા હતા. ટોળકીએ કબૂલ્યું હતું કે, તેઓ મોદીની સભાઓમાં ખાસ જતા હતા કારણ કે ત્યાં લોકોની ભીડ વધુ રહેતી હતી.
ઈસ્ટર્ન પેરિફેરલ યોજનાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. આ લોકો વચ્ચે ખિસ્સાકાતરૂં પણ પહોંચી ગયા હતા અને એક પછી એક લોકોના મોબાઈલ અને પાકિટ સેરવીને સનસની ફેલાવી દીધી હતી. આ ચોર દેશમાં લાઈવ કોન્સર્ટ, ઓટો એક્સ્પો, કાર રેસ સહિતના કાર્યક્રમોમાં શુટબુટથી સજ્જ થઈને જતા હતા. આ ગેંગ નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટની એન્ટી રોબરી એન્ડ સ્નેચિંગ સેલ તેમજ એટીએસએ ઝડપી પાડી હતી. ડીસીપી અતુલ ઠાકુરે કહ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓમાંથી અસલમ ટોળકીનો સરગના છે. તેઓની પાસેથી 46 જેટલા સ્માર્ટ ફોન મળી આવ્યા છે. જે ઓરિસ્સાની રથયાત્રમાંથી સેરવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોરાઉ બાઈક, પિસ્તોલ અને કારતુસ પણ કબ્જે કરવામાં આવ્યા છે. અસલમે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તેની ગેંગ એક વર્ષમાં 5000થી વધુ મોબાઈલ સગેવગે કરી ચૂકી છે. 
આ ચોરી મુંબઈના જસ્ટિન બિબર શો, દિલ્હી અને ગુરુગ્રામમાં આયોજીત લાઈવ કોન્સર્ટ, ઓટો એક્સપો, એફ-1 કાર રેસ, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન કાર્યક્રમ, મુંબઈ ગણપતિ વિસર્જન ઉપરાંત આઈપીએલ ટી20 દરમિયાન કરવામાં આવી હતી. આ ઉપરાંત ખિસ્સાકાતરૂ ટોળકી નવા વર્ષની ઉજવણીમાં ગોવા અને મુંબઈની દહીં હાંડી સ્પર્ધાઓમાં પણ ખાસ જતી હતી. વધુમાં કાર્યક્રમોમાં જવા માટે ફ્લાઈટમાં ઓનલાઈન ટીકિટ બૂક કરવામાં આવતી હતી. ત્યારબાદ ચોરાઉ મોબાઈલ સર્વિસ સેન્ટરો સહિતની જગ્યાએ વેંચી નાખવામાં આવતા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer