દૂધ આંદોલનનો અંત : સરકાર રૂ. 25ના ભાવે ખરીદી કરશે


નાગપુર, તા. 19 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે ચાર દિવસથી આંદોલન ચલાવી રહેલા દૂધ ઉત્પાદકોની મહત્ત્વની માગણીઓ સ્વીકારી લીધી છે. તેથી દૂધ ઉત્પાદકોનું આંદોલન હવે સમાપ્ત થશે.
મહારાષ્ટ્ર સરકારે આવતી 21મી જુલાઈથી દૂધ ઉત્પાદક ખેડૂતોને લિટર દીઠ 25 રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે, એમ આજે વિધાનસભામાં દુગ્ધવિકાસ પ્રધાન મહાદેવ જાનકરે જણાવ્યું હતું. ખેડૂતો દૂધ માટે લિટર દીઠ પાંચ રૂપિયા વધારી આપવાની માગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. તેના ભાગરૂપે રાજ્યમાં અનેક સ્થળોએ દૂધનાં ટેન્કરોને રોકવામાં આવ્યાં હતાં અને એમાંનાં ઘણાં વાહનોનું દૂધ રસ્તા ઉપર ઢોળી દેવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે લીધેલા પગલાને કારણે મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં દૂધની મોટી ખેંચ નિવારી શકાય હતી.
સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા અને સાંસદ રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર દૂધ ખરીદીનો ભાવ 25 રૂપિયા જેટલો નક્કી કરે તો હું આંદોલન પાછું ખેંચવા તૈયાર છું.
વિધાનસભાના સ્પીકર હરિભાઉ બાગડએ બોલાવેલી બેઠક બાદ મહાદેવ જાનકરે આ જાહેરાત કરી હતી.
દરમિયાન,  મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારે દૂધના દર વધારવાની જાહેરાત પછી રાજુ શેટ્ટી નાગપુરમાં જઈ મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને આંદોલન પાછું ખેંચાયાની જાહેરાત કરી હતી. શેટ્ટીએ જણાવ્યું હતું કે ફડણવીસ સરકારનો નિર્ણય સકારાત્મક છે અને અમે તેને આવકારીએ છીએ.
ફડણવીસ સરકારના આ નિર્ણયને લીધે સરકારી તિજોરી ઉપર વરસેદહાડે 75 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer