ઉદ્ધવની અનુમતિ વિના વ્હિપ જારી કરવા બદલ ખૈરેએ માફી માગી


સંસદમાં મતદાન અગાઉ `માતોશ્રી' તરફથી નિર્દેશનું પાલન સેનાના સાંસદો કરશે
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 19 : એક તરફ મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તને ભારે બહુમતીથી પરાજિત કરવા માટે ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ એનડીએનું મહત્ત્વનું ઘટક શિવસેનાના મુખ્ય દંડક સાંસદ ચંદ્રકાંત ખૈરેએ પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અનુમતિ વિના પક્ષના સાંસદોને સંસદમાં હાજર રહીને સરકારને ટેકો આપવા માટેનો વ્હિપ જારી કરવા બદલ પક્ષપ્રમુખની માફી માગી છે અને વ્હિપ પાછો ખેંચી લેવાયો છે. શિવસેના સંસદીય પક્ષની બેઠકમાં હાજર એક વરિષ્ઠ સાંસદે આ માહિતી આપી હતી.
ખૈરેએ ત્રણ લીટીનો વ્હિપ જારી કર્યો હતો અને ભાજપની કેન્દ્રીય નેતાગીરીને તે વિશે જાણ કરતાં ભાજપની છાવણીમાં સંતોષ અને ખુશીની લહેર ફેલાઈ હતી. તમામ મુખ્ય ન્યૂસ ચૅનલો પર આ સમાચાર પ્રસારિત કરાયા હતા. આ સમાચારથી શિવસેનામાં ખળભળાટ મચી ગયો અને પૂછપરછ કરાતા એવું જાણવા મળ્યું કે પક્ષપ્રમુખ તરફથી નિર્દેશ મેળવ્યા વિના જ ખૈરેએ સાંસદો માટે વ્હિપ જારી કરી દીધો હતો.
આજે સાંજે સંસદ ભવનમાં શિવસેનાની અૉફિસમાં સાંસદોની બેઠકમાં ખૈરેએ વિના અનુમતિએ જારી કરેલા વ્હિપ વિશે પ્રશ્ન પુછાયો ત્યારે આખરે ખૈરેએ બેઠકમાં માફી માગી હતી અને ખૈરે દ્વારા જારી કરાયેલા વ્હિપને રદ કરીને પાછો ખેંચી લેવાયો હતો.
સાંસદોને હવે એવી જાણ કરાઈ છે કે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા પછી મતદાન પૂર્વે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તરફથી સાંસદો માટે નિર્દેશ જારી કરાશે અને તેનું શિવસેનાના તમામ સાંસદો પાલન કરશે. હવે મુંબઈથી ઉદ્ધવ ઠાકરે સાંસદોને કેવો નિર્દેશ આપશે તેના પર તમામની મીટ મંડાયેલી છે.
મહત્ત્વની એવી જાણકારી પણ મળી છે કે ત્રણ લીટીના વ્હિપનો ડ્રાફટ પણ સાંસદ ભવનસ્થિત ભાજપ કાર્યાલયના સંબંધિત અધિકારીએ તૈયાર કરીને શિવસેનાને આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer