``ગેલી આખી મુંબઈ ખડયાત ગેલી'''' ગીત સામે વાંધો

``ગેલી આખી મુંબઈ ખડયાત ગેલી'''' ગીત સામે વાંધો
શિવસેનાનો રોષ ભભૂક્યો : મલિષ્કાને અૉફિસમાં જઈને માર મારવાની ધમકી આપી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : `મુંબઈ તુલા માઝ્યાવર ભરોસા નાય કાય?' ગીતથી મહારાષ્ટ્રભરમાં વિખ્યાત થયેલી આર. જે. મલિષ્કાએ હમણાં ચોમસામાં પણ મુંબઈ પર એક ગીત તૈયાર કર્યું છે. આ વખતે મુંબઈના વરસાદ અને એના થકી અનેક ઠેકાણે પડેલા ખાડા પરથી મલિષ્કાએ અપ્રત્યક્ષ રીતે ગીતમાં શિવસેનાને ટાર્ગેટ કરી છે. મલિષ્કાનું એ `સૈરાટ' ફેમ ગીત મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક લોકોને ગમ્યું છે, પરંતુ એનાથી શિવસેનાના નેતાઓ ભડક્યા છે. સોલાપુરના શિવસેનાના નેતાએ આર. જે. મલિષ્કાને તેની અૉફિસમાં ફોન કરીને માર મારવાની ધમકી આપી છે.
સોલાપુરના શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક શ્રાવણ ભવરના દીકરા અને યુવા સેનાના પદાધિકારી બાબાસાહેબ ભવરના ભાઈ અતુલ ભવર કટ્ટર શિવસૈનિક છે. અતુલ ભવરે પણ મલિષ્કાનો વાઇરલ થયેલા ગીતનો વીડિયો જોયો. ત્યાર બાદ તેમણે મલિષ્કાની મુંબઈની રેડ એફએમની અૉફિસમાં ફોન કરીને તેને ધમકી આપતાં કહ્યું ``તમે મુંબઈની બદનામી કરવાનો ઠેકો લીધો છે? હું સોલાપુરમાં રહેતો હોઉં તોપણ મહારાષ્ટ્રની રાજધાની ગણાતા મુંબઈ માટે મને ઘણો આદર છે. અમારી મુંબઈને કોઈ બદનામ કરવાનું નામ પણ લેશે તો બાળાસાહેબ  ઠાકરેનો શિવસૈનિક શાંત બેસશે નહીં. હવે પછી જો તું (મલિષ્કા) આવું ગીત બનાવશે કે ગાશે તો શિવસેના એની ભાષામાં એનો જવાબ વાળશે. શિવસેનાની મહિલા બ્રિગેડ રેડ એફએમની અૉફિસમાં ઘૂસીને તને ફટકારશે. શિવસેના અમારો પક્ષ છે. મરાઠી અમારી અસ્મિતા છે અને મુંબઈ અમારી શાન છે...
જય મહારાષ્ટ્ર...''
અતુલ ભવરે કરેલા ફોનની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer