લેપ્ટો સ્પાયરોસિસથી બચવા પાલિકાની ઉંદર મારવાની ઝુંબેશ

લેપ્ટો સ્પાયરોસિસથી બચવા પાલિકાની ઉંદર મારવાની ઝુંબેશ

છ મહિનામાં બે લાખ મુશક માર્યા
 
મુંબઈ, તા. 19 : લેપ્ટો સ્પાયરોસિસ બીમારી ફેલાવતા ઉંદરોની વધતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ મહાનગરમાં છ મહિનામાં બે લાખ કરતાં વધુ ઉંદરોને માર્યા છે. દર મહિને સરેરાશ 30,000 કરતાં વધુ ઉંદરો મારવામાં આવી રહ્યા છે. ઉંદરોની વધતી સંખ્યાથી સામાન્ય નાગરિકોની જેમ પાલિકા પણ ત્રસ્ત છે. ઉંદર ખાઈ શકે એવી વસ્તુઓને ખુલ્લી ન રાખવાની અપીલ પાલિકાએ મુંબઈગરાઓને કરી છે.
વરસાદની ઋતુમાં ઉંદરના મૂત્રથી ફેલાતી બીમારી લેપ્ટો સ્પાયરોસિસ ખતરનાક છે. આ બીમારીને કારણે જૂન મહિનાથી અત્યાર સુધી ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. તાજેતરમાં વરલીના 17 વર્ષના યુવાનનું આ બીમારીને કારણે મૃત્યુ થયું હતું. અન્ય 20 લોકો આ બીમારીની લપેટમાં આવી ગયા છે. પાલિકાના જંતુનાશક વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, જાન્યુઆરી મહિનાથી જૂન મહિના સુધીમાં શહેરમાં 2,11,705 ઉંદરો મારવામાં આવ્યા હતા. સૌથી વધુ 32,935 ઉંદર માનખુર્દમાં, જ્યારે ભાયખલામાં 23,762 અને ઘાટકોપરમાં 23,685 ઉંદર મારવામાં આવ્યા હતા.
પાલિકાના જંતુનાશક વિભાગના વડા ડૉ. આર. નારિંગ્રેકરે માહિતી આપી હતી કે પ્રજનનના 21 દિવસ પછી ઉંદરી 10-12 બચ્ચાંને જન્મ આપે છે જે 45 દિવસમાં પુખ્ત થઈ જાય છે. એક જોડી ઉંદર વર્ષમાં અંદાજે 15,000 ઉંદર પેદા કરે છે. જો કોઈ વિસ્તારમાં ઉંદર દેખાય તો નાગરિકોએ તરતપાલિકામાં એની ફરિયાદ કરવી. પાલિકાના સ્વાસ્થ્ય વિભાગના કાર્યકારી અધિકારી ડૉ.પદ્મજા કેળકરે કહ્યું હતું કે અડધો કલાકથી વધુ સમય પાણીમાં રહ્યા બાદ તાવ આવે કે કોઈ તકલીફ થાય તો તરતડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer