આજથી ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળ : 90 લાખ ટ્રકનાં પૈડાં થંભશે

આજથી ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળ : 90 લાખ ટ્રકનાં પૈડાં થંભશે

ટોલ કલેક્શન સિસ્ટમમાં ફેરફાર, ઈ-વે બિલમાં પરેશાની મુદ્દે ટ્રક સંચાલકો સરકારની નીતિથી નારાજ 

નવી દિલ્હી, તા. 19 : દેશભરમાં ટોલ ટેક્સ નાબૂદી સહિતના મુદ્દાને લઈને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સ્પોર્ટ કોન્ગ્રેસે હડતાલનું આવતીકાલે શુક્રવારથી અનિશ્ચિતકાળ સુધી હડતાલનું એલાન કર્યું છે. ટ્રક એસોસિયેશનની હડતાલના એલાનથી 90 લાખ ટ્રક અને 50 લાખ જેટલી બસના પૈડા થંભી જશે. આ ઉપરાંત ગત બુધવારથી જ દેશના મોટા શહેરોમાં સપ્લાઈ કેન્દ્રો ઉપર બુકિંગ અને લોડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે.  ટ્રાન્સ્પોર્ટરોની હડતાલથી આવતીકાલથી રાજકોટની 900 સહિત ગુજરાતની 20 હજાર જેટલી ટ્રાન્સ્પોર્ટ ઓફીસો બંધ કરી દેવામાં આવશે. તેમજ ટ્રકોના પૈડા થંભી જતા મોંઘવારીમાં પણ વધારો થવાની પુરેપુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
હડતાલ મામલે અગાઉ ટ્રાન્સ્પોર્ટ મંત્રાલયે લોડિંગ મર્યાદા વધારવા સાથે બે ડ્રાઈવરની અનિવાર્યતા,  ફિટનેસ સર્ટિફિકેટ અને ઓવરલોડિંગ મામલે રાહતો આપવાની તૈયારી બતાવી હતી. જો કે આ રાહતો ટ્રક સંચાલકોએ માન્ય રાખી નહોતી.  ટ્રક એસોસિયેશન દ્વારા ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાથી લઈને ઈવે બિલમાં પરેશાની, ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ટ્રક ભાડા ઉપર ટીડીએસ દૂર કરવું, થર્ડ પાર્ટી પ્રિમીયમમાં પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી નાબૂદી સહિતની માગણી કરવામાં આવી છે. એઈએમટીસીના અધ્યક્ષ એસ. કે. મિત્તલે કહ્યું હતું કે, સરકારે ડીઝલની કિંમતને જીએસટીના દાયરામાં લાવવી જોઈએ અથવા કિંમત ઘટાડવા કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત ટોલ કલેક્શન સિસ્ટમમાં પણ ફેરફારોની જરૂરિયાત છે. ટોલ પ્લાઝા ઉપર ઈંઘણ અને સમય ખર્ચાતા વાર્ષિક 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત બસ અને પર્યટન વાહનોને નેશનલ પરમિટ આપવાની પણ માગ થઈ છે. આ દરમિયાન જરૂરી ચિજવસ્તુઓ જેવા કે દૂધ, શાકભાજી, અનાજ, પેટ્રોલ, કેરોસીનનું આવાગમન યથાવત રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer