અવિશ્વાસના પ્રસ્તાવને પરાજિત કરવાનો સરકારને આત્મવિશ્વાસ

અવિશ્વાસના પ્રસ્તાવને પરાજિત કરવાનો સરકારને આત્મવિશ્વાસ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : મોદી સરકાર આવતી કાલે શુક્રવારે લોકસભામાં વિશ્વાસનો મત જીતવાનો વિશ્વાસ ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે માત્ર વિશ્વાસનો મત જીતવો એટલું જ પૂરતું નથી, પરંતુ સંયુક્ત એનડીએને આગળ કરવા સરકારને તેના સાથીપક્ષો ટેકો આપી રહ્યા છે એવો વિશ્વાસ પણ તેમણે જીતવાનો છે.
એક રીતે જોવા જઈએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર એક દિવસની તૈયારીનો સમય વિપક્ષને આપીને અવિશ્વાસની દરખાસ્તનો સ્વીકાર કરીને તેમને `ચેકમેટ' કરી દીધા છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પર સવારે 11 વાગ્યે ચર્ચા શરૂ થશે અને એ જ દિવસે વડા પ્રધાન આ ચર્ચાનો જવાબ આપશે. આ ઉપરાંત ભાજપની નેતાગીરી એવું માને છે કે એક વખત અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થયા બાદ અને તેનો પરાજય થયા બાદ સંસદમાં કાર્યવાહી ખોરવવાનું કોઈ બહાનું વિપક્ષ પાસે રહેશે નહીં.
બીજી તરફ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થાય તે પહેલાં જ પોતાનો પરાજય સ્વીકારી લીધો છે, કારણ કે તેના પ્રવક્તા આનંદ શર્માએ મીડિયા સમક્ષ બોલતાં જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત માટે સંખ્યા મહત્ત્વની નથી, પરંતુ જે વિષયોને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેના પરની ચર્ચા મહત્ત્વની છે. કૉંગ્રેસ માટે આ ચર્ચા છેલ્લાં ચાર વર્ષમાં સરકારની નિષ્ફળતા માટે તેના પર પ્રહાર કરવાની તક પૂરી પાડશે.
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી વિપક્ષપ્રેરિત અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાની આગેવાની લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઉપરાંત પીઢ નેતા મલ્લિકાર્જુન ખડગે તથા અન્ય નેતાઓ પણ બોલશે.
ગાંધી પરિવારના સંતાનને આગળ કરવાની કૉંગ્રેસની વ્યૂહરચના કેન્દ્રમાં ભાજપ સામે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નેતા તરીકે ઉપસાવવાની છે. દરમિયાન આજે સવારે ભાજપના પ્રમુખ અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે કરેલી વાત બાદ એવું માનવામાં આવે છે કે શિવસેનાના 18 સાંસદો પણ સરકારની તરફેણમાં મત આપશે. ઉદ્ધવ ઠાકરે સાંજ સુધીમાં પોતાના નિર્ણયની જાણ પક્ષના સાંસદોને કરવાના હતા, પરંતુ સૌથી મોટો સવાલ આવતા વર્ષની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં વાડ પર બેઠેલા સાંસદો કેવો નિર્ણય લે છે તેના પર આધારિત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપપ્રમુખ અમિત શાહ તામિલનાડુના અન્ના ડીએમકે અને તેલંગણ રાષ્ટ્ર સમિતિના કે. ચંદ્રશેખર રાવનો સંપર્ક સાધ્યો હતો અને ગેરહાજર રહેવાને બદલે સરકારને ટેકો આપવાની વિનંતી કરી હતી. નવીન પટ્ટનાયકના બીજેડીના સાંસદો ગેરહાજર રહે એવી વકી છે. અન્ના ડીએમકે, બીજેડી અને ટીઆરએસના કુલ સાંસદો 68 છે.
અન્ના ડીએમકે અવિશ્વાસની દરખાસ્તને ટેકો નહીં આપે એવો નિર્દેશ આપતાં તામિલનાડુના મુખ્ય પ્રધાન ઈ. પલ્લનીસ્વામીએ જણાવ્યું હતું કે ટીડીપીએ આંધ્રને ખાસ દરજ્જાના મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે, પરંતુ અમે જ્યારે કાવેરી મુદ્દે સંસદની કાર્યવાહી અવરોધી હતી ત્યારે અમને કોઈએ ટેકો આપ્યો નહોતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer