ડૉલરમાં તેજી-મંદી અટકતાં સોનું સ્થિર

ડૉલરમાં તેજી-મંદી અટકતાં સોનું સ્થિર
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 : સોના-ચાંદીમાં વધઘટ પાંખી થઇ ગઇ છે. અમેરિકી ડૉલરનું મૂલ્ય યેન સામે થોડું નરમ પડવાને લીધે સોનું નજીવું સુધરી શક્યું હતું. ન્યૂ યોર્કમાં 1215 ડૉલરના સ્તરે સોનું રનિંગ હતું. જાપાનીઝ યેન સામે ડૉલરનું મૂલ્ય બે અઠવાડિયાની નીચલી સપાટીએ હતું. અમેરિકા અને જાપાન વચ્ચે વેપારયુદ્ધ મામલે વાટાઘાટ ચાલી રહી છે. બીજી તરફ જાપાનની મધ્યસ્થ બૅન્કે સાવ સરળ નાણાનીતિ જાહેર થતા યેનમાં સટ્ટાકીય લેવાલી વધી હતી.
બીજી તરફ ચાઇનીઝ યુઆન સામે ડૉલરનું મૂલ્ય તૂટયું હતું. અન્ય ચલણો સામે ડૉલર મક્કમ હતો. ચીનના એક વિશ્લેષકે કહ્યું હતું કે સોનાના ભાવ વધે તે પ્રકારની કોઇ ઘટના હાલ પૂરતી તો સામે દેખાતી નથી. એ જોતા સાંકડી રેન્જમાં સોનાના ભાવ અથડાઇ રહેવાની શક્યતા છે. રોકાણકારોને અમેરિકાના વ્યાજદરો વધી જવાનો ડર છે. એ કારણે સોનાને શ્રેષ્ઠ રોકાણ તરીકે જોવામાં આવતું નથી. ફેડ દ્વારા ઊંચા ફુગાવાને લક્ષ્યમાં લઇને અપેક્ષા કરતા ઝડપથી વ્યાજદર વધારવામાં આવે તો સોનાના ભાવ ઉપર દબાણ આવવાની પૂરતી શક્યતા છે. હવે સપ્ટેમ્બરમાં ફેડની બેઠક છે અને બે વધારા વર્ષના બાકી રહેલા મહિનાઓમાં થાય તેમ છે.
ગઇકાલે અમેરિકાએ ચીનના માલ ઉપર જકાત નાંખતા ચીને પણ અમેરિકાથી આવતા 16 અબજ ડૉલરના માલ ઉપર 25 ટકા જકાતની જાહેરાત કરી હતી. હવે વેપારયુદ્ધ વકરી રહ્યું છે પરંતુ સોનાના ભાવ ઉપર તેની અસર નથી. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 30500ની સપાટીએ સ્થિર હતું. મુંબઈમાં રૂા. 50 વધી રૂા.  29,640 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 15.46 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 50 વધી રૂા. 38,500 હતી. મુંબઈમાં રૂા. 310 સુધરીને રૂા. 37,960 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer