એનએસઈમાં ત્રણ વાગ્યા પછી બજારને વિરામ મળશે

એનએસઈમાં ત્રણ વાગ્યા પછી બજારને વિરામ મળશે
મુંબઈ, તા. 9 : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ 1 અૉક્ટોબરથી શૅરબજારોમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગને જે મંજૂરી આપી છે. તેના પગલે નેશનલ સ્ટોક ઍક્સચેન્જ અૉફ ઇન્ડિયા (એનએસઈ)ના ટ્રેડિંગના કલાકો પણ વધશે, એમ એનએસઈના એમડી અને સીઈઓ વિક્રમ લિમયેએ કહ્યું હતું. 
બજારના કલાકો વધારવા પાછળનો તર્ક સમજાવતા લિમયેએ કહ્યું કે, તેથી આંતરરાષ્ટ્રીય ધોરણે આ ટ્રેડિંગ માટે વધુ સમય આપવો જરૂરી છે. અન્યથા વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેમના જોખમને સિંગાપુર અથવા અન્ય ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રાક્ટમાં હેજ કરશે. ભારતનું બજાર બપોરે સાડા ત્રણ વાગ્યે પૂરું થાય છે. વૈશ્વિક ધોરણે અગ્રણી બનવું હોય તો આપણી બજારોનાં કામકાજના કલાકો વધારવા જરૂરી છે. જોકે, આમાં ઘણા પડકારો છે, પણ તેનો  ઉકેલ આવશે. બપોરે સાડા ત્રણ વાગ્યે સત્રમાં બ્રેક લાવીશું અને ફરીથી સાંજે પાંચથી રાત્રે 11:55 સુધી બજાર ચાલશે. બપોર પછીનું આ સત્ર બીજા દિવસના સત્રના ભાગરૂપ ગણાશે. 
લિમયેએ કહ્યું કે, ઍક્સચેન્જે 2014-15માં ટેકનૉલૉજી બદલી તે પછીથી તેનો બજાર હિસ્સો વધ્યો છે. સેબીએ તપાસ પૂરી કરી છે. આ તપાસ ફક્ત એનએસઈ પૂરતું જ નહીં પરંતુ બ્રોકર્સ સંબંધિત પણ છે. આઈપીઓ બાબતે લિમયેએ કહ્યું કે, તે કો-લોકેશનથી જોડાયેલો છે.   
એસજીએક્સથી ગિફ્ટી સિટીમાં લિક્વિડિટી લાવવા માટે એનએસઈની એસજીએક્સ સાથે વાતચીત ચાલુ છે. આમાં બંને પક્ષે ફાયદો છે. અમારો ધ્યેય લિક્વિડિટીને ગિફ્ટ સિટીમાં કોન્લોડિટેડ કરવાની છે. અમે માળખુ તૈયાર કરવા માટે સેબી અને એમએએસ (સિંગાપુરની નાણાકીય નિયામક) સાથે પરામર્શ કરી રહ્યા છીએ. 
તાજેતરમાં એનએસઈની રજતજયંતીના કાર્યક્રમમાં નીતિ આયોગના વાઈસ-ચૅરમૅન રાજીવ કુમારે મૂડી બજારમાં લોકોની ઓછી ભાગીદારીનો મુદ્દો પ્રકાશમાં લાવ્યા હતા. આ બાબતે લિમયેએ કહ્યું કે, છેલ્લાં અમુક વર્ષોમાં લોકોની ભાગીદારી વધી છે. પરંતુ હજી ઘણું કરવાનું છે. આમાં રોકાણ વિષયક શિક્ષણ અને જાગૃતિની જરૂર છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓની વૃદ્ધિ સારી થઈ છે, જે દર્શાવે છે કે લોકો મૂડી બજારમાં રોકાણ કરી રહ્યા છે. સારા સમાચાર એ છે કે 30-40 ટકા એવા શહેરોના રોકાણકારો છે, જે શહેરો ટોચના 100ની યાદીમાં પણ આવતા નથી. આ દર્શાવે છે કે મૂડી બજાર પ્રસરી રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer