વણથંભી તેજીએ સેન્સેક્ષ 38000ના સ્તરને પાર, નિફટી 11500 નજીક

વણથંભી તેજીએ સેન્સેક્ષ 38000ના સ્તરને પાર, નિફટી 11500 નજીક
ટ્રેડ વૉરના ઓછાયા હેઠળ મેટલ શૅર્સમાં ખરીદી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : શૅરબજારે આજે સર્વોચ્ચ સપાટી સર કરી છે. વૈશ્વિક ટ્રેડ વૉરના ભણકારા વધવા છતાં ભારતના શૅરબજારોમાં એક યા બીજા કારણસર સતત ભભૂકતી રહેલી તેજીનો સંકેત સમજવા ઘણા જાણકારો પ્રયાસ કરી રહ્યા છે. આજે બૅન્કિંગ - ખાનગી અને  સાથે મુખ્યત્વે જાહેર ક્ષેત્રની એસબીઆઈના શૅરોમાં સટ્ટાકીય અને વિદેશી પોર્ટફોલિયોની લેવાલી નોંધપાત્ર રહેતાં એનએસઈ-બીએસઈ સૂચકાંક સૌથી ઊંચા સ્તરે બંધ રહેવામાં સફળ રહ્યા હતા. એનએસઈ ખાતે નિફટી અગાઉના બંધ 11450થી ઉપરમાં 11493 ખૂલ્યા પછી 11495 ગયો હતો, જે થોડી વેચવાલી આવતાં 11454ની ટૂંકી બોટમ પછી સાંકડી વધઘટે અથડાઈને ટ્રેડિંગ અંતે 20 પૉઈન્ટ વધીને 11470 બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષે 38076ની નવી વિક્રમી ટોચ દર્શાવ્યા પછી ટ્રેડ અંતે 136 પૉઈન્ટ વધીને 38024ના સ્તરે બંધ રહ્યો હતો, જે અત્યાર સુધીમાં 38000ની ઉપરનો પ્રથમ બંધ ગણાય.
આજે ચીન દ્વારા અમેરિકા સામે ટ્રેડવૉર આગળ વધારવાની જાહેરાતને લીધે સ્થાનિકમાં મેટલ ક્ષેત્રમાં થોડી નવી લેવાલી આવી હતી. આઈડીબીઆઈ કેપિટલના સંશોધન વડા એ. કે. પ્રભાકરે જણાવ્યું છે કે આજે બૅન્કિંગ અને મેટલ સાથે એક્સિસ બૅન્ક અને આઈટીસીમાં ભારે લેવાલીને લીધે બજાર વધ્યું છે. જોકે, મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રને અપાનાર મૂડી (કેશ સહાય)થી તેમની નફાશક્તિ વધવાના વરતારાથી એસબીઆઈમાં રૂા. 9ની તેજી જોવાઈ હતી. અગાઉ પીએનબી-બીઓબી વધ્યા હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ બૅન્કમાં નવેસરની લેવાલીથી શૅર રૂા. 14ના ઉછાળે રૂા. 33 બંધ હતો. ખાનગી ક્ષેત્રે એક્સિસ બૅન્ક રૂા. 24 સુધારે રૂા. 621 બંધ હતો. ચીન દ્વારા અમેરિકાની કેટલીક સ્ટીલ પ્રોડકટ પર ડયૂટી વધારવાથી ટિસ્કો, હિન્દાલ્કો અને વેદાંત અનુક્રમે રૂા. 8, રૂા. 7 અને રૂા. 6 વધ્યા હતા. જ્યારે ઈન્ફોસીસ રૂા. 17 સુધરીને નવી ટોચે રૂા. 1379 બંધ હતો. આજે પીએનબી, અશોક લેલેન્ડ અને વક્રાંગી ઈન્ફોટેકમાં મોટું વોલ્યુમ જોવાયું હતું. જેની સામે આરઆઈએલ, ટીસીએસ, એમએન્ડએમ અને તાતા મોટર્સના ભાવ ઓછા વોલ્યુમે સ્થિર રહ્યા હતા. એનએસઈ ખાતે કુલ 22 શૅર સુધારે હતા.
બજારમાં સાંકડી તેજી વચ્ચે ઘટનાર શૅરોની સંખ્યા વધુ 28 રહી હતી, જેમાં મુખ્ય ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝ રૂા. 8, આયશર મોટર્સ રૂા. 154, હીરો હોન્ડા રૂા. 18, લુપિન રૂા. 3, મારુતિ સુઝુકી રૂા. 61, એશિયન પેઈન્ટ રૂા. 8, એચડીએફસી અને એચડીએફસી બૅન્ક અનુક્રમે રૂા. 15 અને રૂા. 18 ઘટાડે રહ્યા હતા. રીયલ્ટી ઈન્ડેક્સ વધવા છતાં ઈન્ડિયા બુલ રૂા. 21, સિપ્લા રૂા. 14, એલએન્ડટી રૂા. 13, ગ્રાસીમ રૂા. 12, ભારતી ઍરટેલ રૂા. 18 અને એચસીએલ ટેક્નૉલૉજીમાં રૂા. 8નો ઘટાડો નોંધાયો હતો.
જોકે, ડીએલએફ અને એચઆઈડીએલ જેવી સાઈડની રિઅલ્ટી કંપનીઓમાં સટ્ટાકીય લેવાલીએ મોટી ખરીદી નોંધાઈ હતી. જેથી ડીએલએફ રૂા. 11 અને એચડીઆઈએલ રૂા. 1 વધીને રૂા. 23.80 બંધ હતો.
બજારના આગળના પ્રવાહો અંગે બજારમાં સ્પષ્ટ રીતે બે ભાગ પડી ગયા છે. અનેક અનુભવીઓને અત્યારનો નિફટીનો ટ્રેન્ડ માત્ર ભ્રામક જણાય છે. જ્યારે કેટલાક ઉત્સાહી સટ્ટાકીય રીતે અભિપ્રાય આપનાર એનલિસ્ટો રોજેરોજ નવા શોર્ટ ઊંચાઈના આંકડા આપવામાં વ્યસ્ત છે. એક અનુભવી બ્રોકરે જણાવ્યું છે કે એનલિસ્ટો માત્ર આંકડા ઊંચા આપી શકે, બદલામાં ખોટમાં ભરવાના રૂપિયા તમારે આપવાના છે.
દરમિયાન મની કન્ટ્રોલના એનલિસ્ટના અનુમાન પ્રમાણે હવે નિફટીમાં 11530 રેસિસ્ટન્ટ અને 11465 આવતી કાલનો નજીકનો સપોર્ટ છે, જ્યારે તેની નીચે 11370-11350નો મહત્ત્વપૂર્ણ જરૂરી સપોર્ટ ગણી શકાય.
દરમિયાન આજે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂા. 563 કરોડના શૅરોની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણાકીય સંસ્થાઓની રૂા. 30 કરોડના શૅરોની ખરીદી નોંધાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer