વૉલમાર્ટને ફ્લિપકાર્ટ ખરીદવાની મંજૂરી સામે વિરોધ રિટેલ વેપારીઓ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે

વૉલમાર્ટને ફ્લિપકાર્ટ ખરીદવાની મંજૂરી સામે વિરોધ રિટેલ વેપારીઓ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે
મુંબઈ, તા. 9 : કૉમ્પિટીશન કમિશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ) એ બુધવારે યુએસની વૉલમાર્ટ દ્વારા અૉનલાઈન માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટની ખરીદીને મંજૂરી મળતાં કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેર્સ (સીએઆઈટી) એ કહ્યું કે સીસીઆઈએ આપેલી મંજૂરીથી અમે નિરાશ થયા છીએ.
સીએઆઈટીના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ``સીસીઆઈના નિર્ણયની વિરુદ્ધમાં અમે કોર્ટમાં જઈશું. સીએઆઈટીએ 19 અૉગસ્ટે નાગપુરમાં ગવર્નિંગ કાઉન્સિલની તાકીદની મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં રાષ્ટ્રભરમાં ચળવળ માટેની વ્યૂહરચના ઘડાશે.''
વેપારીઓના સ્થાનિક સંગઠન સીએઆઈટીએ વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાનો વિરોધ કરી રહ્યાં છે. સંગઠનનું કહેવું હતું કે આ બંને કંપનીઓના સહયોગથી અયોગ્ય સ્પર્ધા થશે અને સ્થાનિક નાના સ્ટોર્સ માર્કેટમાંથી ફેંકાઈ જશે.
બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી ફ્લિપકાર્ટના એક્વિઝિશનથી વૉલમાર્ટને ભારતમાં પગપેસારો કરવાનો મોકળો માર્ગ મળી જશે. બ્રિક્સ-એન્ડ-મોર્ટાર રિટેલમાં વિદેશી રોકાણ માટે મર્યાદા હોવાથી એક દાયકાથી ભારતમાં વિસ્તરણ માટે વૉલમાર્ટ તક શોધી રહી હતી.
સીસીઆઈએ વૉલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટના પ્રસ્તાવિત હસ્તગતને બુધવારે મંજૂરી આપી હતી.
વૉલમાર્ટે અગાઉ કહ્યું હતું કે નાના અને મધ્યમ સપ્લાયર્સ, ખેડૂતો અને મહિલાઓ દ્વારા ચલાવાતા બિઝનેસ પાસેથી માલ મગાવીને દેશના સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપે છે. સીસીઆઈની જાહેરાત પછી વોલમાર્ટે આપેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ``વોલમાર્ટની વૈશ્વિક નિપુણતા અને ફ્લિપકાર્ટના સહયોગથી અમે લાંબા ગાળાની સફળતા મેળવી શકશું અને આર્થિક વિકાસમાં અમે ફાળો આપી શકશું.''
કોમ્પિટિશન કમિશન અૉફ ઇન્ડિયાએ વૉલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટને 16 અબજ ડૉલરમાં હસ્તગત કરવાની બાબતને મંજૂરી આપી છે. જેને કારણે ઈ-કૉમર્સ માર્કેટમાં એમેઝોન.કોમ ઈન્ક સામે મોટી સ્પર્ધા ઊભી થઈ છે. વૉલમાર્ટે મે મહિનામાં ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો 16 અબજ ડૉલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. મોર્ગન સ્ટેનલીનો અંદાજ છે કે એક દાયકામાં તે વૃદ્ધિ પામીને 200 અબજ ડૉલરની થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer