પ્રશાસનિક આશ્વાસન બાદ મહારાષ્ટ્રના કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ

મુંબઈ, તા. 9 (પીટીઆઇ)  : પગારવધારા સહિતની માગણીઓ માટે ત્રણ દિવસની હડતાળ પર ઊતરેલા મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓએ આજે પ્રશાસનના સકારાત્મક આશ્વાસનને પગલે હડતાળ પાછી ખેંચી લીધી હતી. સાતમા વેતન પંચની ભલામણો લાગુ કરવી અને ખાલી પડેલી જગ્યાઓ પર કર્મચારીઓની ભરતી સહિતની માગણીઓ સાથે રાજ્યના ત્રીજા અને ચોથા વર્ગના 17 લાખ જેટલા કર્મચારીઓ મંગળવારથી હડતાળ પર ઊતર્યા હતા. 
હડતાળનું એલાન આપનારા કર્મચારી સંગઠનના પ્રમુખ મિલિંદ સરદેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ અમે મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન સાથે તેમ જ આજે રાજ્યના મુખ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. સરકાર અમારી મોટા ભાગની માગણીઓ પ્રત્યે સકારાત્મક રીતે સહમત છે. હાલમાં મરાઠા સમાજનું અનામત આંદોલન ચાલતું હોવાથી રાજ્યની પરિસ્થિતિ અશાંત છે. એમાં કર્મચારીઓની હડતાળથી આરોગ્ય સહિતની તત્કાળ સેવાઓ પર પણ અસર પડી શકે છે. અમારી પહેલી ફરજ લોકોને કોઈ અગવડ ન પડે એ જોવાનું છે અને સરકારે પણ અમને સકારાત્મક આશ્વાસન આપ્યું એ બધી બાબતોનો વિચાર કરીને અમે આ હડતાળ પાછી ખેંચી રહ્યા છીએ.
જિલ્લા પરિષદો, શિક્ષણ, પાલિકા-મહાપાલિકાઓ તેમ જ વિવિધ સરકારી વિભાગોના ત્રીજા અને ચોથા વર્ગના 17 લાખ જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા. ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું કે જાન્યુઆરી 2019થી રાજ્યના કર્મચારીઓ માટે સાતમા વેતન પંચની ભલામણોનો અમલ કરવામાં આવશે. વિવિધ કર્મચારી મંડળોના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે વેનત પંચની ભલામણો જાન્યુઆરી 2016ની પાછલી અસરથી લાગુ પડશે અને એની બાકીની રકમ જાન્યુઆરી 19થી મળવાનું શરૂ થશે. આ ઉપરાંત છેલ્લા 14 મહિનાનાં કર્મચારીઓનાં બાકીનાં ભથ્થાં પણ ચૂકવવામાં આવશે. 
સરદેસાઈએ કહ્યું હતું કે રાજ્યમાં વિવિધ વિભાગોમાં મળીને 1.85 લાખ કર્મચારીઓની જગ્યા ખાલી પડી છે, જે કુલ કર્મચારીઓની 30-40 ટકા છે. આ ખાલી જગ્યાઓની ભરતી ઉપરાંત પાંચ દિવસનું અઠવાડિયું તેમ જ નિવૃત્તિની વય હાલની 58 વર્ષથી વધારીને 60 વર્ષની કરવા સહિતની અન્ય માગણીઓ પણ અમે સરકાર સમક્ષ રાખી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer