ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 18 અને 19 સપ્ટેમ્બરે યોજાવાની વકી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 9 : ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. 18 અને 19 સપ્ટેમ્બરના રોજ બોલાવવા રાજ્યપાલ આહ્વાન કરે તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ આ બે દિવસીય ચોમાસું સત્રમાં મગફળી કાંડથી લઇ દુષ્કર્મ કાંડ અને બીટકોઇન જેવા મુદ્દાઓની ચર્ચા તેમ જ વરસાદ અને ખેડૂતોની વિવિધ સમસ્યાઓમાં અત્યારે પ્રવર્તી રહેલી પરિસ્થિતિની ચર્ચા માટે આ સમય ખૂબ ઓછો પડે તેમ છે.
આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક સરકારી બિઝનેસ હાથ ધરવા સહિત ખેડૂતો અને બિનઅનામત વર્ગો માટે  વિશેષ જાહેરાત કરાય તેવી સંભાવના છે. જે 25 અૉગસ્ટથી હાર્દિક પટેલના યોજાનારા અનામત આંદોલન બાદ ઊભી થનારી પરિસ્થિતિને ખાળવા માટેની હશે એમ મનાય છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કાયદો-વ્યવસ્થા અંગે સંપૂર્ણ બચાવ કરી વિકાસલક્ષી લેવાયેલા પગલાની વિગતો આપવામાં આવશે. જ્યારે વિરોધ પક્ષ કૉંગ્રેસ દ્વારા મગફળી કાંડમાં સરકારને ભીંસમાં લેવા સાથે બીટકોઇનથી લઇ જયંતી ભાનુશાળી દુષ્કર્મ કેસ સહિતના બનાવો બાબતે ગૃહ ગજવવામાં આવશે. આ ઉપરાંત ભારે વરસાદથી લઇ વરસાદ ખેંચાતાં ખેડૂતોને થયેલા નુકસાન અને વાવેતર-પાકમાં સહાય અંગે આક્રમકતા દાખવવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer