પુણેમાં કલેક્ટરની કચેરીમાં તોડફોડ કરાઈ

મહારાષ્ટ્રમાં મરાઠાઓની બંધની હાકલ દરમિયાન અનેક સ્થળોએ માર્ગ વ્યવહાર ખોરવાયો

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : આરક્ષણની માગણીના ટેકામાં બંધના એલાનના ભાગરૂપે મરાઠા આંદોલનકારીઓએ આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં માર્ગ વ્યવહાર ખોરવી નાખ્યો હતો. વધુમા શાળાઓ પણ બંધ રહી હતી. અફવા ફેલાતી રોકવા માટે સત્તાવાળાઓએ આજે પુણે જિલ્લાના કેટલાક તાલુકમાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી હતી. પુણેના કલેક્ટરની કચેરીમાં આજે તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મરાઠાઓના આગેવાનોએ શાંતિપૂર્વક બંધની હાકલ કરી હોવા છતાં આંદોલનકારીઓએ અનેક સ્થળોએ માર્ગોમાં અવરોધ સર્જ્યો હતો અને કેટલાંક સ્થળોએ ટાયર બાળ્યાં હતાં. કુર્લા અને ઘાટકોપરમાં પણ તોડફોડની ઘટનાઓ બની હતી.
ઔરંગાબાદમાં ક્રાંતિ ચૌક ખાતે આંદોલનકારીઓએ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ સૂત્રો પોકારતાં બે જૂથો વચ્ચે અથડામણો થઈ હતી એમ પોલીસે જણાવ્યું હતું. શિવસેનાના જિલ્લા એકમના વડા અંબાદાસ દાનવેના વડપણ હેઠળના જૂથે આ નારાબાજી સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી બંને જૂથના સભ્યોએ એકમેકની મારપીટ કરી હતી. આ અથડામણમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, બાદમાં પોલીસે મામલો શાંત પાડયો હતો.
પુણે જિલ્લાના કલેક્ટરની કચેરી સમક્ષ આંદોલનકારીઓએ ધરણાં કર્યાં હતાં. તેઓએ વીજળીના બલ્બ સહિત અન્ય રાચરશીલાને નુકસાન પહોંચાડયું હતું. અફવાઓને રોકવા માટે પુણે જિલ્લાના સાત તાલુકામાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી.
બારામતીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારના ઘરની સમક્ષ ધરણાં યોજાયાં હતાં. શરદ પવારના ભત્રીજા અને રાષ્ટ્રવાદીના અગ્રણી અજિત પવાર પણ તેઓ સાથે ધરણાં ઉપર બેઠા હતા.
આંદોલનકારીઓએ લાતુર, જાલના, સોલાપુર અને બુલઢાણા જિલ્લામાંના માર્ગોમાં બસો અને અન્ય વાહનોને અટકાવ્યાં હતાં. જાલના અને અહમદનગરમાં ટાયર બાળવામાં આવ્યાં હતાં. પુણે અને હૈદરાબાદને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ક્રમાંક નવ ઉપર પણ રસ્તારોકો આંદોલન થયું હતું.
શિવસેનાના કોલ્હાપુરના વિધાનસભ્ય પ્રકાશ આબિટકરને મરાઠાઓના ટેકામાં વિધાન ભવનમાં પ્રતીક ઉપવાસ કરવાની પરવાનગી નકારવામાં આવી હતી. ગત સમયે હિંસાને કારણે નવી મુંબઈને બંધમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. આમ છતાં તુર્ભેની એપીએમસી માર્કેટ બંધ રહી હતી. મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે અને મુંબઈ-ગોવા હાઈવે ઉપર કળંબોલી પાસે રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
સાતારામાં બધા પેટ્રોલ પંપ અને શાકભાજીની બજાર બંધ રહી હતી. જ્યારે એસટી બસોને સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં જ ઊભી રાખવામાં આવી હતી. 
પુણેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આજે 7000 પોલીસો તેમ જ એસઆરપીએફ અને રેપિડ ઍક્શન ફોર્સની કેટલીક કંપનીઓને ફરજ ઉપર મૂકવામાં આવી હતી. પુણે જિલ્લામા બારામતી, શિરૂર, ખેડ, જુન્નર, માવળ, ભોર અને દૌંડ તાલુકામા ઈન્ટરનેટ સેવા અફવા ફેલાતી રોકવા માટે સસ્પેન્ડ કરાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer