ભાજપના વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાને અપાઈ ખાતરી

હાજીઅલીમાં ફ્લાય ઓવર અને ચર્ની રોડ સ્ટેશન પાસે ફૂટ ઓવરબ્રિજ માટે ઝડપભેર કાર્યવાહી : અજોય મેહતા
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : ચર્ની રોડ સ્ટેશનને જોડતા રાહદારીઓ માટેનો પુલ અને હાજીઅલી ઉપર નવા ફ્લાયઓવરના બાંધકામની કાર્યવાહી ઝડપથી પૂરી કરવામાં આવશે એવી ખાતરી મુંબઈ પાલિકાના આયુક્ત અજોય મેહતાએ આપી હતી. ભાજપના મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે કરેલી રજૂઆતને પગલે મેહતાએ આ ખાતરી આપી હતી.
મંગલપ્રભાત લોઢાએ પાલિકા મુખ્યાલયમાં અજોય મેહતાને મળીને રજૂઆત કરી હતી કે ચર્ની રોડ સ્ટેશનના પ્લૅટફૉર્મ ક્રમાંક-ચારનો સમાંતર સ્કાયવોક ગત 14મી અૉક્ટોબરે રાત્રે તૂટી પડયો હતો. ત્યાર પછી તેને પૂર્ણપણે તોડી પાડીને નવેસરથી બાંધવાનું કામ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે. તે પુલના અભાવે અસંખ્ય પ્રવાસીઓને અગવડ સહન કરવી પડી રહી છે. આ ઉપરાંત હાજીઅલી સર્કલ ઉપર ફ્યાલ ઓવર બાંધવામાં પાલિકા તરફથી થઈ રહેલા વિલંબને લીધે લોકોને અગવડ પડી રહી છે, તેથી પાલિકાએ ચર્ની રોડ સ્ટેશનને ઠાકુરદ્વાર સાથે સાંકળી લેતા પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ, એમ લોઢાએ ઉમેર્યું હતું.
આ બેઠકમાં ભાજપનાં નગરસેવિકા સરિતા પાટીલ,`ડી' વૉર્ડના સહાયક આયુક્ત વિશ્વાસ મોટે અને ભાજપના મલબાર હિલ એકમના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer