ફિંગરપ્રિન્ટ અને ડીએનએની મદદથી ભારતે દાઉદના સાગરીતને ભારતીય સાબિત કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : કુખ્યાત ડૉન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો ગણાતો સાથીદાર મુન્ના ઝિંગાડાને બૅંગકૉકની એક અદાલતે મુન્નો ભારતીય નાગરિક હોવાનો ચુકાદો આપ્યો છે. એના થકી મુન્નાને ભારત લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. પાકિસ્તાનના અધિકારી થાઈલૅન્ડ સાથે પ્રત્યાર્પણ સંધિ મુજબ મુન્નાને પાકિસ્તાનને સોંપવા માટેનું કાર્ય કરતા રહ્યા, પરંતુ ભારતે થાઈલૅન્ડની કોર્ટમાં મુન્નાને ફિંગરપ્રિન્ટ અને ડીએનએની મદદથી એને ભારતીય નાગરિક સાબિત કરતાં પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન મુન્ના ઝિંગાડાના પાસપોર્ટના આધારે સાબિત કરવા માગતું હતું કે મુન્નો પાકિસ્તાની નાગરિક છે. જોકે, ઝિંગાડા પાકિસ્તાની પાસપોર્ટ પર જ થાઈલૅન્ડ ગયો હતો. પાસપોર્ટમાં તેનું નામ મોહમ્મદ સલીમ લખાયું હતું. આઠ વર્ષ સુધી એ મુદ્દો થાઈલૅન્ડના સત્તાવાળાઓ સામે ચાલતો રહ્યો, એટલું જ નહીં, પાકિસ્તાને એ માટે બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું.
ડીએનએ- ફિંગરપ્રિન્ટની મદદથી જીત્યા કેસ
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમે ફિંગરપ્રિન્ટ્સ અને ડીએનએના પુરાવા આપીને બૅંગકૉકની કોર્ટમાં પાકિસ્તાનનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. 18 વર્ષ પહેલાં છોટા રાજન પર હુમલો કર્યા બાદ જ્યારે મુન્ના ઝિંગાડા ત્યાં પકડાયો હતો ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બૅંગકૉક પહોંચી હતી. ઝિંગાડાનો છોટા રાજનની હત્યા કરવાનો પ્લાન જ સાબિત કરે છે કે મુન્નો ભારતીય છે. જોકે, પાકિસ્તાને હવે બૅંગકૉક કોર્ટમાં એવું કહ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જબરદસ્તીથી ફિંગરપ્રિન્ટ્સ લઈને મુન્નાને ભારતીય નાગરિક ગણાવ્યો હતો. હવે ટૂંક સમયમાં થાઈલૅન્ડ મુન્નાને ભારતને સોંપી દેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer