વડાલામાં ન્યૂ કફપરેડ પ્રોજેક્ટ

ઇમારતના ભોંયતળિયાથી 40 માળ સુધીના હિસ્સાને `રેરા' હેઠળ રજિસ્ટર કરવા ફલૅટધારકો હાઈ કોર્ટમાં

મુંબઈ, તા. 9 : લોઢા ગ્રુપના વડાલાસ્થિત ન્યૂ કફપરેડ પ્રોજેક્ટમાં ફલૅટ ખરીદનારાઓના જૂથે ચાર ઈમારતોને અપાયેલા આંશિક ઓક્યુપેશન સર્ટિફિકેટ અને કોમેન્સમેન્ટ સર્ટિફિકેટ રદ કરવાની વિનંતી વડી અદાલતને કરી છે.
23 ફલૅટધારકોએ વડી અદાલતમાં નોંધાવેલી રિટ પિટિશનમાં ચાર ઈમારતો - ઈવોક, એનચાન્ટ, ડીઓરો અને ઈલીસેમને આપવામાં આવેલા ઓક્યુપન્સી અને કમ્પલિશનના આંશિક સર્ટિફિકેટો સંબંધી કાગળિયાં આપવાની માગણી કરી છે.
આ ચાર ઈમારતોને ભોંયતળિયેથી 40મા માળ સુધી આંશિક ઓક્યુપેશન સર્ટિફિકેટ આઠમી જૂન, 2017ના દિવસે આપવામાં આવ્યાં હતાં. ત્યાર પછી ડેવલપરે ફલૅટ ખરીદનારાઓને કબજો આપવાની શરૂઆત કરી હતી. જોકે, ફલૅટધારકો દાવો કરે છે કે ફલૅટો હજી રહેવાલાયક નથી અને ઈમારતમાં બાંધકામ ચાલુ છે. આ ઈમારતમાં કેટલાક લોકો રહે છે. આમ છતાં 41માથી 45મા માળ સુધીના માળનું તોડકામ ચાલુ છે. અરજદારોએ વડી અદાલતને વિનંતી કરી છે કે આ ચાર ઈમારતોના ભોંયતળિયાથી 40મા માળ સુધીના હિસ્સાને `રેરા'માં નોંધણી કરવાનો આદેશ આપવામાં આવે. ઉપરાંત ટોચના માળાનું તોડકામ ચાલે એટલા સમયગાળા માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની વિનંતી પણ ફલૅટધારકોએ વડી અદાલતને કરી છે.
આ અરજીના પ્રતિવાદીઓમાં મુંબઈ પાલિકા, એમએમઆરડીએ, કેન્દ્રનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ઍરપોર્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયા અને લોઢા જૂથની બેલીસીમો ક્રાઉન બિલ્ટ માર્ટ પ્રા. લિમિટેડનો સમાવેશ થાય છે.
લોઢા જૂથના પ્રવક્તાએ બધા આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે બાર ઈમારતોનો આ પ્રકલ્પ એક કરતાં વધારે તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. ચાર ઈમારતોના પ્રથમ તબક્કાનું કામ વર્ષ 2017માં પૂર્ણ થયું હતું. અમે 500 જેટલા ફલૅટ અમારા ગ્રાહકોને સોંપી દીધા છે. જગ્યાનો કબજો અપાયો નથી એવા આક્ષેપોને અમે ભારપૂર્વક નકારી કાઢીએ છીએ. જેઓએ દાવો કર્યો હતો તેઓને અમે કબજો આપ્યો છે. આ ઈમારતોની ઊંચાઈની પરવાનગી વિશેની સ્પષ્ટતા વર્ષ 2018માં થઈ હતી. પ્રકલ્પ શરૂ કરાયાના સાત મહિના પછી અમને આ પરવાનગી મળી હતી. ત્યાર પછી અમને અગાશીના લેવલમાં કેટલાક ફેરફાર કરવા પડી રહ્યા છે. હવે તે કામ પૂર્ણ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer