સ્ટેચ્યુ અૉફ યુનિટી માટે અૉઈલ કંપનીઓએ કરેલો ખર્ચ નિયમભંગ

સામાજિક જવાબદારી અંતર્ગત રાષ્ટ્રીય ધરોહર બચાવવા માટે કંપની ખર્ચ કરી શકે, પણ સરદારની પ્રતિમા રાષ્ટ્રીય ધરોહર નથી : કેગ
 
નવી દિલ્હી, તા.9: ગુજરાતમાં વડોદરા નજીક સાધુ બેટ ખાતે 300 કરોડ રૂપિયાનાં જંગી ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા બનાવવા માટે ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવતાં ખર્ચ સામે કમ્પ્ટ્રોલર ઓફ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેગનાં કહેવા અનુસાર ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા લિ., ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલ દ્વારા આ ખર્ચ કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત કરવામાં આવ્યો છે. સામાજિક જવાબદારી હેઠળ કંપનીઓ કોઈ રાષ્ટ્રીય ધરોહરને બચાવવા માટે ખર્ચ કરી શકે છે પણ સરદારની નિર્માણાધીન પ્રતિમા કોઈ રાષ્ટ્રીય ધરોહર નથી. માટે જ આવો ખર્ચ થવો અયોગ્ય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે પ્રસ્તાવિત આ પ્રતિમાને બનાવવા માટે સરકાર દ્વારા એવો પ્રચાર થઈ રહ્યો છે કે આ મૂર્તિ બનાવવા માટે જરૂરી લોખંડનું દેશનાં ખૂણેખૂણામાંથી આમઆદમી દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો જૂના પાવડા, કોદાળી સહિતનાં જૂના સાધન સરંજામો ગુજરાત પહોંચાડી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ ઉપર દાવો કરવામાં આવે છે કે અત્યાર સુધીમાં ખેડૂતોએ આવા 1 લાખ 69 હજાર સાધનો આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત 7મી ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ઓઈલ કંપની તરફથી આ પ્રતિમા માટે થયેલો ખર્ચ ઉચિત નથી. નિયમો હેઠળ રાષ્ટ્રીય ધરોહરને બચાવવા માટે જ કંપનીઓ આવો ખર્ચ કરી શકે. માટે ઓઈલ કંપનીએ કરેલો ખર્ચ નિયમ વિરુદ્ધ છે. રિપોર્ટ મુજબ ઓએનજીસીએ 50 કરોડ,  ઈન્ડિયન ઓઈલે 21.83 કરોડ, બીપીસીએલ, એચપીસીએલ અને ઓઆઈએલ દ્વારા 25 કરોડ રૂપિયા વર્ષ 2016-17 દરમિયાન ભંડોળમાં આપેલા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer