મીરા રોડમાં લોકો શોકસાગરમાં તો વિધાનસભ્ય, મેયર જલસા પાર્ટીમાં

મીરા રોડમાં લોકો શોકસાગરમાં તો વિધાનસભ્ય, મેયર જલસા પાર્ટીમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મીરા રોડમાં એક તરફ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૃત્યુ પામેલા મેજર કૌસ્તુભ રાણેને લીધે લોકો શોકમાં ડૂબ્યા હતા ત્યારે બીજી તરફ શહીદ મેજરના ઘરથી નજીકના અંતરે ભાજપના નગરસેવક અને ભૂતપૂર્વ પ્રભાગ સભાપતિનો જન્મદિવસ ધામધૂમથી ઊજવાઈ રહ્યો હતો. ભાજપના નગરસેવકની બર્થ-ડે પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં લોકોમાં નારાજગી પ્રસરી હતી.
મીરા રોડનાં મેયર ડિમ્પલ મહેતા, સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સહિત ભાજપના નગરસેવક, પદાધિકારીઓ બર્થ-ડે પાર્ટીમાં કેક ખાતાં અને ભાષણ કરતાં એ વીડિયોમાં જોવા મળ્યાં હતાં. આ દરેક જણે સોશિયલ મીડિયામાં શહીદ કૌસ્તુભ રાણેને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ કરી હતી એથી શહીદ અને તેમના કુટુંબીજનો બદલની ભાજપના લોકપ્રતિનિધિઓ અને પદાધિકારીઓની બેવડી ભૂમિકા બદલ લોકોમાં અસંતોષ જાગ્યો છે.
સોમવારે રાતે કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોર આતંકવાદીઓ સાથેની અથડામણમાં દેશના ચાર જવાન શહીદ થયા હતા. એમાં મીરા રોડમાં શીતલનગરના હિરલ સાગર બિલ્ડિંગમાં રહેતા 29 વર્ષના મેજર કૌસ્તુભ પ્રકાશ રાણે પણ હતા. મંગળવારે સવારે આ દુ:ખદ ઘટનાના સમાચાર આવ્યા હતા.
બપોરથી જ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચૅનલ પર કૌસ્તુભ રાણે શહીદ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા. ત્યાર બાદ મીરા રોડના તેમના ઘરે બપોરથી જ સગાંવહાલાંઓ-મિત્રો ભેગા થવા માંડયા હતા. એ વખતે નરેન્દ્ર મહેતા પોતે પણ શહીદના કુટુંબીજનોને મળવા ગયા હતા.
ફક્ત મીરા રોડ જ નહીં, રાજ્યભરમાં અને દેશભરમાં આ ચાર શહીદ જવાનોનાં બલિદાન બદલ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમના ઘરથી થોડા અંતરે ભાજપના નગરસેવક આનંદ માંજરેકરે મંગળવારે 7 અૉગસ્ટે પોતાનો જન્મદિવસ આલીશાન મંડપ બંધાવીને ધામધૂમથી મનાવ્યો હતો; જેમાં ડિમ્પલ મહેતા, ડેપ્યુટી મેયર ચંદ્રકાંત વૈતી, ભાજપના પ્રશાંત દળવી, દીપિકા અરોરા, હેમા બેલાણી, દૌલત ગજરે, હેતલ પરમાર, અનિતા મુખરજી, વિવિતા નાઇક, વંદના ભાવસાર, નીલેશ સોની, કાજલ સક્સેના, સોનિયા નાયક, કિરણ એઉરકર, સુરેશ દુબે જેવા પદાધિકારીઓ-કાર્યકરોએ હાજરી આપી હતી.
જોકે આનંદ માંજરેકરે કહ્યું હતું કે `મેજર કૌસ્તુભ રાણે મૃત્યુ પામ્યા હોવાની જાણ મને નહોતી થઈ. જો મને આવા દુ:ખદ સમાચાર મળ્યા હોત તો મેં મારા બર્થ-ડેનું સેલિબ્રેશન કૅન્સલ કર્યું હોત.'
નરેન્દ્ર મહેતાએ પછી માફી માગતાં કહ્યું હતું કે બર્થ-ડે પાર્ટી કમનસીબ છે. આ પાર્ટી યોજવી નહોતી જોઈતી અમે બધાએ દિલગીરી વ્યક્ત કરી છે. આ રાજકીય મુદ્દો નથી.
શા માટે બર્થ-ડે પાર્ટી રદ ન કરાઈ એવા સવાલના જવાબમાં નરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે આ ઇવેન્ટનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે આ ભાજપના જનપ્રતિનિધિઓ કેટલા બેશરમ છે એ બતાડે છે.
આનાથી ભાજપનો ખરો ચહેરો બહાર આવ્યો છે. પાર્ટીમાં હાજર મેયર અને વિધાનસભ્યને પક્ષમાંથી બરતરફ કરવા જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer